Mysamachar.in-ગુજરાત:
જેની બહુ રાહ જોવાઈ રહી હતી એ ચૂંટણીનાં બીજાં તબક્કાનું મતદાન પણ આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન તથા મુખ્યમંત્રીએ પોતપોતાના મતવિસ્તારમાં મતદાન કર્યું. મતદાનની પ્રારંભિક પેટર્ન પ્રથમ તબક્કાના મતદાન જેવી જોવા મળી રહી છે. આજે પાંચમી ડિસેમ્બર- મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 14 જિલ્લામાં કુલ 93 વિધાનસભા બેઠક પર આજે મતદાન શરૂ થયું. આ તબક્કામાં કુલ મતદારો 2.51 કરોડ જેટલાં છે. વડાપ્રધાન તથા ગૃહમંત્રીએ યુવાઓ અને મહિલાઓને વધુ મતદાન માટે અપીલ કરી છે. પ્રથમ તબક્કામાં પણ અપીલ થયેલી. સૌએ અપીલ કરી હતી. વડાપ્રધાને આજે સવારે નવ વાગ્યે અમદાવાદમાં રાણીપ મતવિસ્તારમાં એક શાળા ખાતે મતદાન કર્યું. મુખ્યમંત્રીએ અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન કર્યું.
પ્રથમ તબક્કાની માફક આ બીજા તબક્કામાં પણ પ્રથમ એક કલાકમાં મતદાનની ટકાવારી પાંચ રહી છે. લાંબી કતારો જોવા મળી નથી. શિયાળાની ગુલાબી ઠંડીમાં રાબેતા મુજબ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. મતદાન પછી વડાપ્રધાન પોતાના મોટાભાઈ સોમાભાઈને ત્યાં ગયા હતાં. ત્યાંથી તેઓ દિલ્હી પહોંચી, બેઠકમાં ઉપસ્થિત રહેશે. વડોદરા અને મોડાસા સહિતના કેટલાંક વિસ્તારોમાં EVM ખોટકાયાના અહેવાલો છે. વડોદરામાં હોબાળો પણ મચ્યો હતો. કુલ 14,975 બૂથ પર મતદાન ચાલી રહ્યું છે. મતદારોની સંખ્યા વધવા છતાં બૂથની સંખ્યા વધતી ન હોય, ધીમું મતદાન જોવા મળી રહ્યું છે. પ્રથમ તબક્કામાં પણ મતદાનની પેટર્ન ધીમી જોવા મળી હતી.આગામી આઠમી ડિસેમ્બરે ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકની મતગણતરી થશે. ત્યાં સુધી અનુમાનો અને ચર્ચાઓના દૌર ચાલતાં રહેશે.