પોલીસમેને ફરજ દરમ્યાન દારૂ પીને દંગલ કરતા પડી સજા..

ખંભાળિયાની અદાલતે આપ્યો ચુકાદો

પોલીસમેને ફરજ દરમ્યાન દારૂ પીને દંગલ કરતા પડી સજા..

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગુજરાતમાં નશાબંધીનો કાયદો અમલમાં છે,પરંતુ ક્યાંકને ક્યાંક નશાબંધીના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે કાયદાનું પાલન કરાવનાર જ નશાબંધીના કાયદાનો ભંગ કરીને એક પોલીસ કર્મચારી ફરજ દરમ્યાન દારૂ પીધેલ હાલતમાં બેફામ વર્તન કરતા ઝડપાઇ ગયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અદાલતમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ કેસ ચાલી જતા સજા અને દંડ કરવાનો અદાલતે ચુકાદો આપ્યો છે,

આ કેસની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સુલેમાન દાઉદભાઈ સંધી પોતાની ફરજ દરમિયાન ગુજરાતમાં નશાબંધીનો કાયદો અમલમાં છે,ત્યારે પોતે જવાબદાર પોલીસ કર્મચારી હોવા છતા દારૂનું સેવન કરીને બેફામ વર્તન કરતા ઝડપાતા નશાબંધીના કાયદા મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી,

દરમ્યાન પ્રોહીબીશન કલમ 66(૧)બી તેમજ ૮૫(૧)(૩) મુજબ ગુન્હાનુ તોહમતનામુ મૂકીને આ પોલીસ કર્મચારી સામે ખંભાળિયાની અદાલતમાં કેસ ચલાવવામાં આવતા સરકારી વકીલએ એવી દલીલો કરી કે આરોપી પોતે એક પોલીસ કર્મચારી છે, કાયદાનું પાલન કરવા તેમજ કરાવવાની તેમની જવાબદારી છે,જેથી પોલીસ કર્મચારીએ પોતેજ કાયદાનો ભંગ કરેલ છે તો આવા કેસમાં સમાજમાં ઉદાહરણ તેમજ દાખલો બેસે તેવી સજા કરવાની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી,ત્યારે અદાલતે આ કેસની ગંભીરતા ધ્યાને લઇને આરોપી પોલીસ કર્મચારી સુલેમાન સંધીને ત્રણ માસની સાદી કેદની સજા અને રૂ.૫૦૦ દંડનો હુકમ કરતો ચુકાદો આપ્યો છે.