સફેદ પાઉડરની આડમાં છુપાવીને લાવવામાં આવી રહેલ 776 પેટી દારૂ પોલીસે ઝડપી પાડ્યો 

2 શખ્સોની ચાલી રહેલ પૂછપરછ 

સફેદ પાઉડરની આડમાં છુપાવીને લાવવામાં આવી રહેલ 776 પેટી દારૂ પોલીસે ઝડપી પાડ્યો 

Mysamachar.in-આણંદ:

દારુ ઘૂસાડનાર તત્વો કોઈપણ તરકીબ અજમાવી દારુ ઘુસાડી દે છે, આવી જ વધુ એક ઘટના આણંદ જીલ્લામાં સામે આવી છે, જ્યાં પોલીસે દારૂનો જથ્થો પ્યાસીઓ સુધી પહોચે તે પૂર્વે જ મોટીમાત્રામાં ઝડપી પાડીને સફળતા મેળવી છે,  વાસદ પાસે પોલીસે બાતમીના આધારે સફેદ પાવડરની થેલીઓની આડમાં રૂપિયા 35.97 લાખના વિદેશી દારૂ સાથે બે શખસોને ઝડપી પાડ્યા હતા. સમગ્ર બનાવમાં પોલીસે રૂપિયા ટ્રક, મોબાઈલ, રોકડ અને વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 46.11 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

વાસદ-તારાપુર હાઈવે રોડ સ્થિત મગનવાડી સોસાયટીના રોડ પરથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ટ્રકની પાછળના ભાગે તાડપત્રી ઢાંકેલી હતી અને તેમાં અંદરના ભાગે સફેદ પાવડરની થેલીઓ મળી આવી હતી. પોલીસે તે હટાવતાં તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતાં 35.97 લાખની કિંમતની અલગ-અલગ કંપનીની 776 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

 

પોલીસે ટ્રકમાં સવાર બંને શખસના નામ-ઠામ પૂછતાં અનિલ કિશનરામ ભગારામ અને ઓપારામ રામલાલ હનુમાનરામ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે બંને શખસની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો તેમને જયપુર-દિલ્હી હાઈવે્ રોડ પર બેહરોર મુકામેથી માલારામ રામલાલ (રહે. રાજસ્થાન)ને ભરી આપ્યો હતો અને ટ્રકમાં સફેદ પાવડરની સંતાડી ગુજરનાના જૂનાગઢ મુકામે પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી.પોલીસે ટ્રક, વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 46.11 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.