હાઈપ્રોફાઈલ વિકએન્ડ પાર્ટી પર પોલીસનો છાપો, યુવક યુવતીઓ સહીત 23 હતા હાજર

તમામ અભ્યાસુ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું...

હાઈપ્રોફાઈલ વિકએન્ડ પાર્ટી પર પોલીસનો છાપો, યુવક યુવતીઓ સહીત 23 હતા હાજર

Mysamachar.in-વડોદરા

આમ તો વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે, પણ નગરીને આજના મોડર્ન કલ્ચરમાં ક્યાંક લાંછન લાગ્યાનો કિસ્સો સામે આવ્યો છે, વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલા ગ્રીનવુડ બંગ્લોમાં રાત્રીના સમયે ચાલતી હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી 13 યુવતી સહિત 23 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. જે પૈકી 6 તો વિદેશમાં અભ્યાસ કરે છે તેમજ ઉદ્યોગપતિ, બિલ્ડર અને ડોક્ટરના સંતાનો હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસને બંગ્લોમાંથી વોડકા, ટકીલાની બોટલો મળી આવતાં તમામના લોહીના નમૂના લીધા હતા. યુવતીઓના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.

સ્થળ પરથી મળી આવેલી 4 કાર અને 10 નંગ મોંઘાદાટ મોબાઈલ મળી કુલ રૂ. 27 લાખની મતા જપ્ત કરાઈ હતી. બી ડીવીઝનના એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 13 યુવતીઓ સહિત 23 લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. જે પૈકી 10 યુવકોએ દારૂનું સેવન કર્યું હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 13 યુવતીઓના બ્લડ સેમ્પલ લઇ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. જો તેમાં યુવતીઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.

ન્યુ લહેરીપુરા રોડ પર ગ્રીનવુડ બંગલોમાં ચાલી રહેલી પાર્ટીમાંથી મકાનના બેઠકરૂમમાંથી એક બોટલ TAQUILA RESERVA 1800 ANRJO, એક બોટલ BAILEYS THE ORIGINAL fresh cream મળી આવી હતી. મકાનના બાથરૂમમાંથી ત્રણ ખાલી બોટલ મળી હતી. એક પર ABSOLUT VODKA અને બીજી COGNAC Hennessy ની બોટલ હતી. આ સિવાય ઠંડા પીણાંની બોટલો, 2 નંગ ટોનિક વોટર કોલડ્રિન્ક મળી આવી હતી.આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.