હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસનો દરોડો...

વેપારી, હીરાદલાલ સહિત નવ ઝડપાયા

હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસનો દરોડો...

Mysamachar.in-સુરત

રાજ્યમાં છાસવારે અને છેલ્લા કેટલાક સમયથી ખાસ હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાવવાનો સિલસિલો ચાલુ થયો છે, અને આજે વધુ એક આવું જ હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે, સુરત શહેરમાં મહિધરપુરા પોલીસે હાઇપ્રોફાઇલ જુગારધામ પર રેડ કરી નામીચા વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે, પોલીસે સુમુલ ડેરી વિસ્તારના સરદારનગર સોસાયટીના એક બંગલામાં ગત રાત્રે છાપો મારી ત્યાં જુગાર રમતા 9 જુગારીને ઝડપી પાડ્યા હતા. તમામ પાસેથી રોકડા રૂ.5.85 લાખ, 11 મોબાઈલ ફોન, ફોર વ્હીલર, ટુ વ્હીલર મળી કુલ રૂ.82.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે બંગલા નં.20માં પહેલા માળે જુગાર રમતા વેપારી મિહિર કિશોર પટેલ, નોકરીયાત વિપુલ કિશોર પટેલ, હીરાદલાલ મનહર જયરામ પટેલ, વેપારી જયદીપ કમલેશ બ્રહ્મભટ્ટ, વેપારી દિનેશ ગોરધન પટેલ, જમીનદલાલ અશ્વીન સુરેશ પટેલ, આંગડીયા પેઢીના સંચાલક રાકેશ ધીરુભાઈ ભાદાણી, ડ્રાઇવર જીગ્નેશ હરેન્દ્ર પટેલ અને ટેક્ષ્ટાઈલ વેપારી મુકેશ હિંમત માલાણીને ઝડપી પાડ્યા હતા.પોલીસે આ હાઇપ્રોફાઈલ જુગારધામમાં રેડ પાડી રોકડા રૂ.5.85 લાખ, રૂ.2.25 લાખના 11 મોબાઈલ ફોન, મોંઘી દાટ 7 ફોર વ્હીલર, ટુ-વ્હીલર મળી કુલ રૂ.82.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે, જુગારધામમાં પોલીસે કરેલી કાર્યવાહી સામે સવાલો ઉભા થવા પામ્યા છે. સામાન્ય રીતે જુગારધામ ઝડપાયેલી કારને પોલીસ મથકમાં કબજે રાખવાની હોય છે. પરંતુ મહિધરપુરા પોલીસે ઝડપેલી મોંઘીદાટ કારોને પોલીસ મથકમાં રાખવાના બદલે સુરત મહાનગરપાલિકાના મલ્ટિલેવલ પાર્કિંગમાં મૂકી છે.જેને કારણે આ કામગીરી વિવાદમાં પણ આવી છે.