Mysamachar.in-જામનગર:
જામનગર મનપાના કમ્પાઉન્ડમાં ભૂતકાળમાં કેટલીય વખત દારૂની ખાલી બોટલો મળી આવી છે, પણ વાત ગઈકાલ રાતની છે જયારે જામનગર મહાનગરપાલિકા સંચાલિત શહેરના ટાઉનહોલમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી પરથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે અહી છ શખ્સો સામે કાર્યવાહી કરી છે, આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ જામનગર શહેરની હાર્દસમા વિસ્તારમાં આવેલ ટાઉનહોલમાં બુધવારે રાત્રિના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન બીપીન ભગવાનજી ચુડાસમા, લલિત રમણીક કણઝારિયા, કમલેશ રણછોડદાસ માંડવિયા, જીજ્ઞેશ નાનજી જોશી, પ્રકાશસિંહ મહોબતસિંહ ગોહિલ અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સહિતના છ શખ્સોને 200 મીલી લિટર દારૂ સાથે મહેફિલ માણતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ મહેફિલમાં બે શખ્સોએ નશો ના કર્યો હોવાનું જાણવા મળે છે, પોલીસે તમામ શખ્સો સામે પ્રોહીબીશન કલમ 65 AA 81 મુજબ ફરિયાદ નોંધી ફરિયાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં જાણવા મળે છે તે પ્રમાણે ઝડપાયેલ શખ્સોમાંથી ત્રણ મનપાના કર્મચારીઓ પણ છે, હવે તેની સામે શું પગલા લેવાય છે તે જોવાનું છે.