Mysamachar.in-ગાંધીનગર:
આજના સમયમાં શું ખાવું અને શું ના ખાવું તે સૌથી મોટો સવાલ છે, રૂપિયા દેવા છતાં પણ મોટાભાગની વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવી રહી છે, ત્યારે ના માત્ર તંત્ર પણ લોકોએ પણ એટલું જ જાગૃત થવાની જરૂર છે, એવામાં રોજીંદા વપરાશમાં લેવામાં આવતા ઘી માં ભેળસેળના મોટા કાવતરાને ગાંધીનગર એલસીબીએ ખુલ્લું પાડ્યું છે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જલુંદ ગામમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી બનાવટી ઘી ની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી છે, જ્યાં ઘી બનાવવા માટે ડાલ્ડા ઘી, દૂધની મલાઈ અને કેમિકલનું મિશ્રણ કરીને સાચા જેવું પણ ખોટું ઘી તૈયાર કરવામાં આવતું હતું, બનાવટી ઘી તૈયાર કરવા માટે વપરાતા કેમિકલના પાંચ કિલોનો ડબ્બો રૂપિયા 15000 નો લાવવામાં આવતો હતો. અને એ ડબ્બામાંથી એક હજાર કિલોથી વધારે બનાવટી ઘી જે સાચા જેવું જ લાગતું તે બનાવી અને લોકોને ધાબડી દેવામાં આવતું હતું,
પોલીસને બાતમી મળી હતી કે પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીમાં મોટા પાયે અહીં બનાવટી ઘી તૈયાર થઇ રહ્યું છે, પોલીસે રેડ કરી સ્થળ પરથી બનાવટી ઘીના ડબ્બા, ડબ્બા પેક કરવાનું મશીન, mrp લખવા માટેનું મશીન અને બનાવટી ઘી માં વપરાતા કેમિકલનો જથ્થો મોટીમાત્રામાં મળી આવ્યો છે, 1450 કિલોથી વધુ બનાવટી ઘી જથ્થો પકડી પાડીને પોલીસે આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે.વધુમાં પોલીસે એફ.એસ.એલ.ની મદદ લઈને બનાવટી ઘીના નમૂનાઓ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.જે બાદ વધુ હકીકતો પ્રકાશમાં આવશે.