મીઠાપુરની ટાટા ટાઉનશીપમાં દારૂની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકી

કાર સહિત રૂ. 4.69 લાખનો મુદ્દામાલ કબજે

મીઠાપુરની ટાટા ટાઉનશીપમાં દારૂની જામેલી મહેફિલ પર પોલીસ ત્રાટકી
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના મીઠાપુર ખાતેની ટાટા ટાઉનશીપમાં ગત રાત્રીના જામેલી વિદેશી દારૂની મહેફિલ પર સ્થાનિક પોલીસે દરોડો પાડી, દારૂ સહિતના રૂ. 4.69 લાખના મુદામાલ સાથે આઠ શખ્સો સામે કાર્યવાહી કરી છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ મીઠાપુરની ટાટા ટાઉનશીપમાં જુના હાઉસિંગ ફ્લેટ ક્વાર્ટરમાં રહેતા કરસનભા મુરુભા હાથલ નામના વ્યક્તિએ પોતાના ક્વાર્ટરમાં વિદેશી દારૂની મહેફિલ ગોઠવી અને રોયલ સ્ટગ ડીલક્સ વ્હિસ્કી તથા મેક ડોવેલ નંબર વન વ્હિસ્કીની બે બોટલ દારૂની મંગાવી હતી.

આ સ્થળે વિવિધ પ્રકારના બાઈટિંગ સાથે દારૂની મોજ માણી રહેલા કરસનભા મુરુભા હાથલ, દિનેશ ગોવિંદભાઈ પરમાર, ભાવિન મનસુખભાઈ જટણીયા, પરેશ સોમજીભાઈ વાળા, નિલેશ હીરાભાઈ પરમાર, અક્ષય રમેશભાઈ ગોસ્વામી, હિતેન જેસિંગભાઈ ઝાલા, અને સાગર અશોકભાઈ સામાણી નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે અધુરી ભરેલી બે દારૂની બોટલ, વિવિધ પ્રકારના નમકીન ઉપરાંત રાજકોટના રહીશ દિનેશ ગોવિંદભાઈ પરમારની રૂપિયા ચાર લાખની કિંમતની જી.જે. 3 કેએચ 6119 નંબરની અર્ટિગા મોટરકાર તથા રૂ. 68 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન મળી, કુલ રૂપિયા 4,68,550 નો મુદ્દામાલ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.