ચર્ચાસ્પદ કિસ્સો, સવારે યુવાનને નગ્ન કરી બજારમાં ફેરવ્યો, સાંજે પોલીસે સંડોવાયેલા શખ્સોને ગામમાં ફેરવ્યા 

સવારે 20 મીનીટ સુધી આ ખેલ ચાલ્યો હતો, 

ચર્ચાસ્પદ કિસ્સો, સવારે યુવાનને નગ્ન કરી બજારમાં ફેરવ્યો, સાંજે પોલીસે સંડોવાયેલા શખ્સોને ગામમાં ફેરવ્યા 
તસ્વીર:કુંજન રાડીયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયા શહેરમાં આજરોજ બપોરે ગુનાખોરીની હદ વટાવે તેવો કિસ્સો આગની જેમ પ્રસરી ગયો હતો. જેમાં પોલીસ સામે બાંયો ચઢાવનાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારે ચર્ચામાં રહેલા એક યુવાનને કેટલાક શખ્સો દ્વારા ચોક્કસ અદાવતનો ખાર રાખી, આજરોજ સવારે અપહરણ કરીને લઇ ગયા બાદ તેને શહેરના મુખ્ય માર્ગો પર નગ્ન હાલતમાં ફેરવી અને આ શખ્સો પોલીસ સ્ટેશને લઈ જતા આખરે પાંચ શખ્સો સામે પોલીસે ધોરણસર ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. ખંભાળિયા શહેર સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં ગોવિંદ તળાવ ખાતે રહેતા ચંદુ અરજણભાઈ રાણશીભાઈ રૂડાચ નામના 38 વર્ષીય ગઢવી યુવાન અવાર નવાર "ચારણનો ચોરો" માધ્યમથી ફેસબુક મારફતે અસામાજિક તત્વો તથા પોલીસ સામે આક્ષેપ સહિતના લાઈવ વીડિયો શેર કરે છે.

ચંદુ અરજણ રૂડાચ દ્વારા તાજેતરમાં એક ક્રિકેટના સટ્ટા બાબતે એસીબી પોલીસની કાર્યવાહી સહિતનો વિડિયો ફેસબુક લાઈવમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં  કેટલાક શખ્સો સામે પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં ગતરાત્રે પણ તેના દ્વારા એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો અંગેનું મનદુઃખ રાખી અને ખંભાળિયામાં રહેતા ભારા જોધાભાઈ ભોજાણી, કિરીટ જોધાભાઈ ભોજાણી, પ્રતાપ જોધાભાઈ ભોજાણી, કાના જોધાભાઈ ભોજાણી તથા માણસીભાઈ ભોજાણી પાંચ શખ્સોએ આજરોજ સવારે ગુનાહિત કાવતરું રચી અને ફરિયાદી ચંદુ રૂડાચને આશરે સાડા દસ વાગ્યે પોતાની ક્રેટા કારમાં અત્રે બેઠક રોડ પરથી અપહરણ કરીને લઈ ગયા હતા. આ શખ્સોએ ચંદુ રૂડાચને ઢોર મારમારી અને અહીંના જુદા જુદા વિસ્તારોમાં ફેરવ્યો હતો.

ફરિયાદી ચંદુ રૂડાચનું અપહરણ થયાની બાબત રહી રહી ને પણ પોલીસના ધ્યાને આવતા પોલીસ સ્ટાફ મોબાઈલ લોકેશન તથા સીસીટીવી કેમેરાના આધારે જુદા જુદા સ્થળોએ પહોંચ્યો હતો. પરંતુ આરોપી માણસી ભોજાણી તથા કાના જોધા ભોજાણીએ ફરિયાદી ચંદુને બેફામ માર મારી બદનામ કરવાના ઈરાદે નિર્વસ્ત્ર હાલતમાં વિડિયો રેકોર્ડિંગ કરી- કરાવી, અને આ વિડીયો વાયરલ કરાવ્યો હોવાનું જાહેર થયું છે. આટલું જ નહીં આરોપી શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. ફરિયાદીનો રૂપિયા પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ આરોપી શખ્સોએ તોડી નાખ્યું ફરિયાદમાં જણાવાયુ છે.

નિર્વસ્ત્ર હાલતમાં જુદા જુદા વિસ્તારોમાંથી ફેરવીને આરોપી શખ્સો દ્વારા ચંદુ રૂડાચને વટભેર પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. આના અનુસંધાને પોલીસ મથકમાં હાજર રહેલા પોલીસ સ્ટાફ દ્વારા આ સમગ્ર બનાવની જાણ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. સી.બી. જાડેજાને કરાતા તેઓ અન્ય કામગીરી મૂકીને તાકીદે પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા.આમ, યુવાનને નગ્ન કરી જાહેરમાં ફુલેકા જેવું સરઘસ કાઢનારા આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા હતા. કાયદાને હાથમાં લઇ અને આ પ્રકારના નગ્ન નાચ જેવું કૃત્ય કરાવનારા શખ્સોને પોલીસે તેમની ભાષામાં નસિયત અંતે શીખવી ખરા...

આ સમગ્ર ચકચારી બનાવ અંગે પોલીસે આરોપીઓની અટકાયત કરી, આજરોજ સાંજે અહીંના વિરમદડ રોડ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ, વિગેરે સ્થળોએ આરોપી શખ્સોને દોરડા બાંધી, ચાલીને લઇ ગયા બાદ, સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. આથી આ તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બિહાર જેવા આ બનાવે સોશિયલ મીડિયામાં ભારે ચકચાર સાથે પોલીસની કામગીરી ઉપર પણ જાણે પ્રશ્નાર્થ હોય એવું ચિત્ર ખડું કર્યું હતું. પોલીસે ચાર ભાઈઓ તથા એક કુટુંબી શખ્સ સહિત પાંચેય શખ્સોની અટકાયત કરી તમામ સામે આઇ.પી.સી. કલમ 365, 342, 323, 294 (ખ), 427, 355, 506 (2), 120 (બી) તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી છે.