રસ્તા પરથી ગાયો નહિ પકડવા અને કેસ નહિ કરવા માટે લાંચિયા પોલીસ ઈન્સ્પેકટરે લીધી 10,000ની લાંચ

જેવી લાંચ લીધી અને એસીબી પ્રગટ થઇ

રસ્તા પરથી ગાયો નહિ પકડવા અને કેસ નહિ કરવા માટે લાંચિયા પોલીસ ઈન્સ્પેકટરે લીધી 10,000ની લાંચ

Mysamachar.in-અમદાવાદ

લાંચિયા બાબુઓ લોકોનું જે થવું હોય તે પણ આપણે તો પૈસા જોઈએ, એ રીતે હોદ્દાના મદમાં રાચીને મોટી રકમોના તોડ કરે છે, એવામાં ગતસાંજે એસીબીની ટ્રેપમાં અમદાવાદના એક પીઆઇ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. તેઓ કોપોરેશનની ઢોર પકડવાની શાખામાં પીઆઈ તરીકે ફરજ બતાવતા હતા. જેઓ ગાયો નહિ પકડવાના હપ્તા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. 10 હજારની લાંચ માગતા પકડાયા છે.

એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કામના આરોપી  ફારૂક મસરૂફ અહેમદ કુરેશી, હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર, વર્ગ-2, અ.મ્યુ.કોર્પોરેશન માં ઢોર પકડવાની ગાડીમાં નોકરી કરતા હોઇ તેવોએ આ કેસમાં ફરીયાદીની ગાયો નહી પકડવાની અને કેસ નહી કરવાના દર મહિને લાંચ પેટે રૂ.10,000 ની માંગણી કરે છે અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપી હતી, ગઇકાલે ફરીયાદીના મોબાઇલ ફોનમાં આરોપીએ ફોન કરી હપ્તાના રૂ.10,000 તથા દિવાળી બોનસ પેટે રૂ.10,000 મળી રૂ.20,000ની માંગણી કરેલ, જેથી ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થા નહી હોવાનુ કહેતા આરોપીએ હપ્તાના રૂ.10,000 આપી જવાનુ કહેલ.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર 1064 ઉપર સંપર્ક કરી એ.સી.બી.ને ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે એરપોર્ટ સર્કલ પાસે, એરપોર્ટ ઇનવન હોટેલના ટેરેસ ઉપર, એરપોર્ટ રોડ ખાતે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી પોલીસ ઇન્સ્પેકટર ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી, સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યો છે.