Mysamachar.in-વડોદરા
આજના સમયમાં ભણેલા ગણેલા લોકો પણ કોઈ એવી વ્યક્તિઓના વિશ્વાસમાં આવી જાય છે અને બાદમાં પસ્તાવાનો પાર રહેતો નથી આવો જ વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે, વડોદરામાં ઠગ ટોળકીએ નિવૃત્ત શિક્ષકને સકંજામાં લીધા હતાં. તેમની સાથે કાળી હળદરના પ્રયોગથી કેવી રીતે કરોડપતિ થવાય તેની વાતચીત શરૂ કરી હતી. શિક્ષકને ઠગોએ કહ્યું હતું કે કાળી હળદરનો ઉપયોગ ઉપગ્રહ છોડવા માટે થાય છે. અમારી પાસે એલૌકિક કાળી હળદર છે. તમારે જોઈએ તો પાંચ લાખ રૂપિયા લઈને આવી જજો. ઠગબાજોની વાતોથી વિશ્વાસમાં આવી ગયેલા શિક્ષકે કરોડપતિ થવાની લાલચમાં 5.70 લાખ રૂપિયા ઠગોના હાથમાં આપી દીધા હતાં. બાદમાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની ભાન થતાં જ તેમણે સાવલી પોલીસની મદદથી ઠગોને પકડાવતા આ મામલાનો પર્દાફાશ થયો છે,
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના સુરેશભાઇ ફૂલાભાઇ પરમાર પ્રાથમિક શાળામાંથી નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે રહે છે. ત્રણ માસ પહેલા તેઓ ડેસર તાલુકાના વણસોલી ગામમાં રહેતા મિત્રના ઘરે આવ્યા હતા. બપોરના સમયે તેઓ ગામ નજીક ઠંડા પીણાની દુકાન પાસે બેઠા હતા. તે સમયે ત્રણ વ્યક્તિઓ એન્ટીક પીસ જેવી કે, નગ્ન દેખાય તેવા ચશ્મા, કાળી હળદર, મયુર પંખ, રાઇશ પુલર, અંગ્રેજો વખતના ટી.વી.માં આવતા કેથોડ અને લીબો કોઇન જેવી વસ્તુઓ આ ધરતી ઉપર અસ્તિત્વ ધરાવે છે. આમાંથી કોઇપણ વસ્તુ મળી જાય તો માલામાલ થઇ જવાય. તેવી વાત કરતા હતા. જેમાં શિક્ષકને રસ પડતા તેમની સાથે વાતચીત કરી હતી,
જો કે આ આં વાતચીત અને નંબરોની લેતીદેતી બાદ કરોડો પતિ થવાની લાલચમાં નિવૃત્ત શિક્ષક રૂપિયા 5.70 લાખ લઇને ઠગ ત્રિપુટી સાથે ગયા હતા. જ્યાં ત્રિપુટીએ તેઓને એક હોટલ પાસે બેસાડ્યા હતા. જે પૈકી પ્રવિણ સોલંકીએ જણાવ્યું કે, નાણાં મને આપી દો. હું પાર્ટી પાસેથી હળદર લઇને આવું છું. નિવૃત્ત શિક્ષકે વિશ્વાસ મુકીને પોતાની પાસેના રૂપિયા 5.70 લાખ આપ્યા હતા.અઢી કલાક બાદ પરત ફરેલા પ્રવિણે નિવૃત્ત શિક્ષકને જણાવ્યું કે, આજે હવામાન સારું નથી. બહાર કાઢે તો તેના ગુણધર્મ ઓછા થઇ જાય. આથી પાર્ટીને રૂપિયા 5.70 લાખ ટોકન આપીને આવ્યો છે. તેઓ વડોદરા આવશે ત્યારે બ્લેક હળદર લઇ આવશે. રૂપિયા 5.70 લાખ ટોળકીને આપ્યા બાદ નિવૃત્ત શિક્ષક સુરેશભાઇ પરમારને લાગ્યું કે તેઓ ઠગ ટોળકીની ચુંગાલમાં ફસાયા છે.
નિવૃત્ત શિક્ષક સુરેશભાઇ પરમારને ટોળકી ઉપર શંકા જતા તેઓએ સાવલી પોલીસને સમગ્ર ઘટનાની વાત કરી હતી.સાવલી પોલીસે નિવૃત્ત શિક્ષકની મદદ લઇ ગાંડીયાપુરા ગામની સીમમાંથી ઠગ ટોળકીના સંજય હરીઓમ પંડિત, સુનિલ જયંતિભાઇ પ્રજાપતિ, ગીરીશ કાળુભાઇ પ્રજાપતિ,સલીમ હબીબ સૈયદ, કાળા ડાહ્યાભાઇ પરમાર, પ્રવિણસિંહ રંગીતસિંહ સોલંકી, વિઠ્ઠલ નાગજીભાઇ પટેલ, સોયબ અબ્દુલસલામ બિદાણી અને ઇસરાર નુરૂભાઇ પઠાણને દબોચી લીધા હતા. તે સાથે ટોળકી પાસેથી લોકોને ઠગવા માટે ઉપયોગમાં લેવાતી કાળી હળદર, કેથોડ નંગ-1, કપુરની ગોટી, પાંચ નંગ તાળા, 9 મોબાઇલ ફોન અને ચાર વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.