કોરોના દર્દીના મોત બાદ શરીર પરથી દાગીના ચોરી કરનાર શખ્સને પોલીસ ઝડપી પાડ્યો

ફરિયાદો મળવા લાગતા પોલીસ સતર્ક બની હતી

કોરોના દર્દીના મોત બાદ શરીર પરથી દાગીના ચોરી કરનાર શખ્સને પોલીસ ઝડપી પાડ્યો

Mysamachar.in-અમદાવાદ

હાલમાં જ્યાં જુઓ ત્યાં કોરોના મહામારી ચાલી રહી છે. રોજના અનેક લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યા છે, આ સમયે કેટલાય લોકો એવા છે કે જે સેવાભાવના બતાવી રહ્યા છે, તો કેટલાક એવા પણ છે કે જે મૃતદેહનો મલાજો પણ નથી જાળવતા... આ તમામ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના શરીર પરથી સોનાના દાગીનાની ચોરીની કેટલીક ઘટનાઓ સામે આવતા પોલીસ સતર્ક થઇ હતી, જેમાં શાહીબાગ પોલીસે દાગીના ચોરી કરનાર શખ્સની ધરપકડ કરી છે. અસારવા 1200 બેડ હોસ્પિટલમાં ડેડબોડી પેકીંગ કરવાનું કામ કરતા આરોપી સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણાએ રૂ. 1.60 લાખની સોનાની બંગડી ચોરી કરી હતી જે શાહીબાગ પોલીસે કબ્જે કરી છે.

આરોપી સિવિલ 1200 બેડમા વોર્ડ બોય તરીકે મૃતદેહ પ્લાસ્ટિકમાં બંધ કરવાનું કામ કરે છે. પરંતુ આરોપીની ધરપકડ ચોરીના ગુનામા કરવામા આવી છે. મણીનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના માતાને કોરોના પોઝિટિવ આવતા 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના શરીર પર રહેલા સોનાના દાગીના અને બંગડીઓ ઉતારી લેવાઈ હતી. જે મામલે તેઓએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત અન્ય ફરિયાદોને લઈને પોલીસે સતર્ક થઇ અને આરોપીની ધરપકડ કરી છે.