પોલીસને નાકાબંધી દરમિયાન મળી ગયું એક કરોડ ઉપરનું ચરસ

કારમાં આ રીતે છુપાવવામાં આવ્યું હતું

પોલીસને નાકાબંધી દરમિયાન મળી ગયું એક કરોડ ઉપરનું ચરસ

Mysamachar.in-અરવલ્લી:

રાજ્યમાં દારૂબંધી છે,છતાં પણ દારૂ ઘુસી જાય છે,પકડાય પણ જાય છે,પણ હવે રાજ્યમાં અન્ય માદક દ્રવ્યો ઘુસાડવામાં આવી રહ્યાનો એક પ્રયાસ પોલીસે નાકાબંધી દરમિયાન નિષ્ફળ બનાવી દીધો છે,ગતરાત્રીના  શામળાજી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન અણસોલ પાસેથી 1.20 કરોડ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે,કારમાં ગુપ્તખાનુ બનાવી ચરસની હેરફેર કરી રહેલા બે કેરિયરોને પોલીસે ઝડપી લીધા છે,આ બંને શખ્સોની પુછપરછમાં કાશ્મીરના બે શખ્સોએ ચરસનો જથ્થો કારમાં ભરી આપ્યો હોવાનુ ખુલ્યુ હતુ. પોલીસે બંને કેરિયરો,માલ મોકલનાર સહિત માદક પદાર્થ મંગાવનાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે 1.20 કરોડ રૂપિયાની કિંમતનુ કાશ્મીરી ચરસ જપ્ત કર્યુ હતુ. વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી રતનપુર બોર્ડર થઈને ગુજરાતમાં પ્રવેશી રહેલી કાર નં.ડી.એલ.7.સીએચ.9483 શંકાસ્પદ જતાં પોલીસે અટકાવી તલાશી લીધી હતી. દરમિયાન પ્લાસ્ટીકના પેકેટ બનાવી બનાવી પોલીસથી બચવા કારમાં ગુપ્ત ખાના બનાવી ચરસ લાવવામાં આવી રહ્યુ હતુ. પોલીસે માદક પદાર્થ ચરસના 24 પેકેટ જપ્ત કરી તેનો વજન કરાવતાં 24.190 કિલો ગ્રામ ચરસ હોવાનુ સામે આવ્યુ હતુ. જેના પગલે 1,20,95,000 રૂપિયાની કિંમતનો ચરસ જથ્થો તેમજ બે લાખની કાર મળી 1.23 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ચરસનો મોટીમાત્રામાં જથ્થો લઈને ગુજરાતમાં પ્રવેશ કરી રહેલા ગુલશનકુમાર રાધેશ્યામ (રહે. અંબાલા,હરિયાણા) અને ગોપાલચંદ્ર સુરતરામ  (રહે.કુલ્લુ,હિમાચલપ્રદેશ)નામના કેરિયરોની ધરપકડ કરવામાં આવી છે,આ બંને શખ્સોની પુછપરછમાં અનંતબાગ,જમ્મુ-કાશ્મીરમાં રહેતા ગુલામનબી ગુલામરસુલ અને ગુલામરસુલ નામના શખ્સોએ ચરસ ભરાવી આપ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ. જ્યારે મુંબઈના કોઈ અજાણ્યા વ્યકિતને એક કરોડથી વધુની કિંમતનુ આ ચરસ પહોંચાડવાનુ હોવાનુ ખુલ્યુ હતુ. જેના પગલે પોલીસે પાંચ શખ્સો સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એકટ 8(સી),20(બી)(2)(સી),25,29 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.