દ્વારકા જિલ્લામાં તહેવારો પૂર્વે દારૂ વેચનારા તત્વો પર તૂટી પડતી પોલીસ, ચાર સ્થળોએ દરોડા

એલસીબી પોલીસ દ્વારા 291 બોટલ સાથે ત્રણ ઝડપાયા 

દ્વારકા જિલ્લામાં તહેવારો પૂર્વે દારૂ વેચનારા તત્વો પર તૂટી પડતી પોલીસ, ચાર સ્થળોએ દરોડા
file image

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા   
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દીપોત્સવી પર્વની દારૂ પીને ઉજવણી કરતાં તત્વો સામે પોલીસે લાલ આંખ કરી, ગઈકાલે એલસીબી પોલીસે વિદેશી દારૂની 291 બાટલી સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે ત્રણ શખ્સો ફરાર થયાનું જાહેર થયું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવાળીના દિવસોમાં દારૂ- જુગારની બદી સામે કડક હાથે કાર્યવાહી કરવા અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે શુક્રવારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ડ્રાઇવિંગ કરતા દીપકભા બુધાભા માણેક નામના 30  યુવાનને રૂપિયા 76,800ની કિંમતની 192 બોટલ વિદેશી દારૂ તથા એક મોબાઇલ મળી કુલ રૂપિયા 77,300 ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.આ પ્રકરણમાં જામનગરના રહીશ સાગરભા હમીરભા માણેકનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય એક દરોડામાં એલ.સી.બી. પોલીસે ઓખાના આર.કે. બંદર વિસ્તારમાંથી સલીમ કારીયા જુસબ ભેંસલીયા નામના શખ્સ દ્વારા વેચાણ અર્થે વિદેશી દારૂ મંગાવીને પોતાના મકાનમાં છૂપાવી રાખતા પોલીસે રૂપિયા 10,800 ની કિંમતની 27 બોટલ તથા રૂપિયા પાંચ હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે સલીમ કારીયા જુસબને ઝડપી લીધો હતો.આ પ્રકરણમાં મૂળ પોરબંદરના રહીશ મુકેશ ગોહેલ અને જામનગરના રહીશ સાગર માણેકનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી ત્રીજી કાર્યવાહીમાં મીઠાપુર તાબેના ભીમરાણા ગામે આવેલા એક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી 28,800 કિંમતની 72 બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન અને રૂપિયા વીસ હજારની કિંમતના મોટરસાયકલ મળી કુલ રૂપિયા 53,800 ના મુદ્દામાલ સાથે જામનગરના મયુરનગર ખાતે રહેતા સાગરભા હમીરભા માણેક નામના 26 વર્ષના યુવાનને ઝડપી લીધો હતો.આ પ્રકરણમાં ભાણવડ તાલુકાના રાણપુર ગામના સમીર રબારી નામના એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે.આ ઉપરાંત દ્વારકા પોલીસે નવી મઢી ગામના રહીશ જલા મંગાભાઈ મુન નામના યુવાનને રૂપિયા વીસ હજારની કિંમતની 64 બોટલ વિદેશીદારૂ ઉપરાંત રૂપિયા 15000 ની કિંમતના એક મોટરસાયકલ તથા રૂપિયા પાંચ હજારની કિંમતના મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, પ્રોહીબીશન એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરી હતી.