મનપાના અધિકારીની પોલીસ ફરિયાદ અંતે ત્રણ દિવસે લેવામાં આવી

જામનગર મહાનગરપાલિકામાં પેટાકોન્ટ્રાકટરે મચાવેલ ધમાલનો મામલો

મનપાના અધિકારીની પોલીસ ફરિયાદ અંતે ત્રણ દિવસે લેવામાં આવી
file image

Mysamachar.in-જામનગર

આમ તો પોલીસ સ્ટેશનોમાં એવા સુત્રો લખ્યા હોય છે કે “હું તમારી શું મદદ કરી શકું”...પણ ખરેખર જયારે કોઈ ફરિયાદ કરવા માટે જાય તો તેની કેવી હાલત થશે તેનો તાજો કિસ્સો જામનગર શહેરમાં જોવા મળ્યો...આખું ગામ જાણે છે તેમ જામનગર મહાનગરપાલિકામાં ત્રણ દિવસ પૂર્વે પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખામાં પેટા કોન્ટ્રાકટર પરેશ ચોવટિયાએ નશાની હાલતમાં ધમાલ મચાવી નાયબ ઈજનેર ભાવેશજાનીની ફરજમાં રુકાવટ કરી અને 50 લાખની માંગણી કરી હતી, જો જાની 50 લાખના આપે તો મનપાનું બિલ્ડીંગ પાડી દેવાની ધમકી ઉચ્ચારતા મામલો ગરમાયો હતો અને તાત્કાલિક મીડિયા અને પોલીસ પણ સ્થળ પર પહોચ્યા હતા.

જે બાદ પોલીસ થોડીવાર માટે હંગામો મચાવનાર પેટા કોન્ટ્રાકટર ચોવટિયાને પોતાની સાથે લઇ ગઈ હતી અને નાયબ ઈજનેર ભાવેશ જાનીએ આ શખ્સ સામે ફરિયાદ કરવા તાત્કાલિક ફરિયાદ અરજી પણ આપી દીધી હતી, પણ સીટી એ ડીવીઝન પોલીસ પર કોઈ રાજકીય પ્રેશર હશે તેમાં દબાઈને આ ફરિયાદ લેવાનું ટાળ્યું હતું, જો કે આ મામલો જીલ્લા પોલીસવડા અને બાદમાં સીટી ડીવાયએસપી સુધી પહોચ્યો હતો અને એ.પી.જાડેજાએ આ અંગે સુચના કરતા સીટી એ ડીવીઝન પોલીસે ભાવેશજાનીને બોલાવી અંતે ત્રણ દિવસે આ ફરિયાદ લેવામાં આવી છે.

-ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવું કર્યું એ ડીવીઝન પોલીસે  
કોઈ ફરિયાદી ફરિયાદ કરવા જાય તો પોલીસનું કામ ફરિયાદ લેવાનું છે, પણ આ કિસ્સામાં ઉલટા ચોર કોટવાલ કો દાટેની જેમ પી.આઈ.ગોંડલિયાએ ભાવેશ જાનીને કહ્યું કે ફરિયાદ ખોટી સાબિત થશે તો તમને ફીટ કરી દઈશ કે તમને તકલીફ પડી જશે, અને જાણે કોન્ટ્રાકટર પર પ્રેમ ઉભરાઈ આવ્યો હોય કે પછી કોઈની ભાર ભલામણ હોય પી.આઈ.એ અધિકારીને કહ્યું કે તમારી વિરુદ્ધ કોન્ટ્રાકટર પાસેથી અરજી લઇ તમને તકલીફ પડશે તેવું કરી દઈશ તેવી શેખી મારી હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે જો એક સરકારી કર્મચારીની સ્થિતિ ફરિયાદ કરવા માટે આવી થતી હોય તો સામાન્ય માણસ ની ફરિયાદ કેમ લેવાતી હશે.