જમીન દલાલની હત્યા નીપજાવનાર આવ્યો L.C.B ના હાથમાં..

પૈસાની લેતીદેતી કારણભૂત

જમીન દલાલની હત્યા નીપજાવનાર આવ્યો L.C.B ના હાથમાં..

Mysamachar.in-જામનગર:
ગુલાબનગર વિસ્તારમાં જમીનમકાનની દલાલીનું કામ કરતા એક આધેડની અન્ય એક જમીન મકાનના દલાલે જ સામાન્ય બોલાચાલી બાદ હત્યા નીપજાવી દેતા નવા વર્ષે બનેલા આ હત્યાના ગુન્હાએ પોલીસને દોડતા કરી દીધા હતા, અને પોલીસ દ્વારા આરોપી ને શોધવાની તજવીજ ચાલુ હતી તે દરમિયાન આરોપી એલસીબીને હાથ લાગ્યો છે. ગુલાબનગર નજીક રામવાડી વિસ્તારમાં વસવાટ કરતા શંભુભાઈ ડાંગર નામના જમીન દલાલની હત્યા તેના જ મિત્ર મુકેશ રાઠોડે ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ને કરી હતી,

હત્યાનો ગુન્હો નોંધાયા બાદ સીટી બી ડીવીઝન અને એલસીબીની ટીમ આરોપી મુકેશની શોધખોળ કરી રહી હતી તે દરમીયન એલસીબીના ફિરોજ દલ, મિતેશ પટેલ અને વનરાજ મકવાણાને મળેલ બાતમીને આધારે સતવારા સમાજની વાડી નજીકથી ઝડપી ધોરણસરની કાર્યવાહી માટે સીટી બી ડીવીઝન પોલીસને સોંપી આપેલ છે, આમ ગણતરીની કલાકોમાં જ ખુન કેસનો આરોપી હાથ લાગી જતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

પોલીસ પાસેથી મળી રહેલી પ્રાથમિક માહિતી મુજબ આરોપીને મૃતક પાસેથી કોઈ હિસાબ પેટે નાણા લેવાના લાંબા સમયથી નીકળતા હતા, અને આ બાબતે બોલાચાલી થઇ હતી અને આરોપીએ તેના જ જમીન દલાલ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસને જણાવ્યું, છતાં પણ આ કારણ છે કે કોઈ અન્ય કારણોસર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો તે પોલીસની વધુ તપાસ દરમિયાન સામે આવશે.