Mysamachar.in:અમદાવાદ
તસ્કરો જયારે પોલીસને હાથ લાગે અને પોલીસ તેની પૂછપરછ કરે અને તેની તસ્કરોની સામે આવતી મોડસ ઓપરેન્ડી કેટલીય વખત વિચારતા કરી દે તેવી હોય છે, આવો જ એક તસ્કર જયારે અમદાવાદ ગ્રામ્ય LCBને હાથ લાગ્યો અને તેની કબુલાતમાં પોલીસ પણ એક તબક્કે માથું ખંજવાળવા લાગી હતી.ત્રણ મહિનાથી ચોરીના ઈરાદે આ શખ્સે છ કિલો વજન ઉતાર્યું અને ત્રણ વર્ષ અગાઉ જ્યાં ઘરઘાટી તરીકે કામ કરતો તે ઘરમાં ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.પકડાયેલ આરોપી મોતી ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ઘરઘાટી તરીકે અલગ-અલગ ઘરોમાં નોકરી કરતો હતો. પરંતુ નોકરી તો માત્ર બહાના માટે હતી અને ઈરાદો હતો ઘરમાં મોટો હાથ ફેરો કરવાનું હતું. ચોરી કરવા માટે મોતી ચૌહાણે ત્રણ મહિનામાં 5 થી 6 કિલો વજન પણ ઘટાડ્યું હતું. જેથી કરી ચોરી કરવા માટે ઘરની ગ્રીલમાંથી અંદર પ્રવેશ મેળવી શકે. એક બે લાખની ચોરી નહીં પરંતુ 37 લાખનો મુદ્દામાલ ચોરી કરી તેને આ મુદ્દામાલને એક જમીનમાં દાટી દીધો હતો પરંતુ આ તમામ ખુલાસાઓ આરોપીના ઝડપાયા પછી સામે આવ્યા છે.
ઘરફોડ ચોરીના બનાવની વાત કરીએ તો દિવાળીના દિવસોમાં વસંત બિહાર બોપલ ખાતે રહેતા વેપારી પરિવાર સાથે રજાઓ માણવા બહાર ગયા હતા. દરમિયાન ચોરી કરી હાથફેરો મારવા આરોપી મોતી ચૌહાણે પહેલેથી જ પ્લાન ઘડ્યો હતો. જેના માટે મોતી ચૌહાણે છેલ્લા ઘણા સમયથી ઘરની રેકી કરવાનું ઘરઘાટી તરીકે કામ કરતા વ્યક્તિના સંપર્કમાં રહેવાનું અને સીસીટીવીમાંના આવે તે પ્રકારે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ પોલીસ પકડથી બચવા માટે તમામ પ્લાનિંગ કરી રાખ્યા હતા.પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએએ વાતની પણ કબૂલાત કરી હતી કે તેને ચોરી કરેલ મુદ્દામાલ એક અવાવરુ જગ્યાએ દાટીને મૂક્યો છે. અને ચોરી કરવા માટે જાય ત્યારે પોલીસને શંકા ન જાય તે માટે સાઇકલનો ઉપયોગ કરતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીમાં 37 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.