તો જામનગરનો આ ટાપુ બનશે ટૂરિસ્ટોનું ફેવરિટ સ્થળ

ટાપુ પર વ્યાપક વિકાસની શક્યતા

તો જામનગરનો આ ટાપુ બનશે ટૂરિસ્ટોનું ફેવરિટ સ્થળ
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના બેઠક મળી હતી. બેઠકમાં જામનગર જિલ્લાના પિરોટન ટાપુ સહિતના ટાપુઓના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચામાં જામનગરના પિરોટન ટાપુ અને ભાવનગરના શિયાલ બેટ ટાપુને વિક્સીત કરી પ્રવાસન વિકાસની શક્યતાઓ પર સમીક્ષા કરવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું કે જામનગરમાં બેડી બંદરથી દરિયામાં ૫ કિલોમીટર દૂર પિરોટન ટાપુ લાઇટ હાઉસ ઉપરાંત ચેર, લીમડો, બાવળ, કાથી, આમળા જેવા વૃક્ષો આવેલા છે, જેના કારણે આ સ્થળનો વિકાસ કરી તેને સહેલાણીઓ માટે ખુલ્લો મૂકી શકાય તેમ છે. તો પીપાવાવ પોર્ટથી નજીક આવેલા શિયાલ બેટ-સુવઈ બેટ પર અનુકુળ વાતાવરણના લીધે પ્રવાસનની શક્યતા ચકાસવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં જ આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. આ ઓથોરિટીનું કામ રાજ્યમાં પ્રવાસન વિકાસ અને સુરક્ષા જાળવણીનું છે. બેઠક દરમિયાન ઓથોરિટીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું કે રાજ્યમાં કુલ 144 ટાપુ છે, જેમાંથી 13 જેટલા ટાપુનો વિકાસ કરી ટૂરિસ્ટ સ્પોટ બનાવી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં મોટો દરિયાકાંઠો આવેલો છે. જો સરકાર દ્વારા અંગત રસ લઇને પિરોટન ટાપુનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યા વધશે. પ્રવાસીઓની સંખ્યા વધતા સ્થાનિક રોજગારીની તકો પણ સર્જાઇ શકે તેમ છે.