Mysamachar.in-વડોદરા
હાલ સમગ્ર રાજ્યમાં વડોદરા SOGના પીઆઈના પત્ની ગુમ થવાનો કેસ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને પોલીસબેડામાં તો આ કેસની ભારે ચર્ચાઓ ચાલી રહી છે, એવામાં આ કેસમાં દરરોજ નવી અપડેટ જોવા મળી રહી છે. છેલ્લા 42 દિવસથી ચાલી રહેલી આ તપાસમાં સ્થાનિક પોલીસે કંઈ ઠોસ મૂળ સુધી જ પહોચી ના શકતા અંતે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSને સોંપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે, સ્થાનિક પોલીસે છેલ્લા એક મહિનાથી દહેજ પંથકના જુદા-જુદા ગામમાં શોધખોળ કરી હતી. એવામાં અટાલી ગામેથી માનવ હાડકા મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જોકે, હજુ સુધી ફોરેન્સિક રીપોર્ટમાંથી ખાતરી ન થતા આ મામલે મોટું રહસ્ય ઊભું થઈ રહ્યું છે. જોકે, હવે તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATS કરશે એટલે મોટો ઘટસ્ફોટ થવાના એંધાણ વર્તાય છે.
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચર્ચાયેલા આ કેસમાં માત્ર તપાસ રીપોર્ટ સિવાય ખાસ કહી શકાય એવું કંઈ સામે આવ્યું નથી. જોકે, પોલીસે જુદા જુદી સીસીટીવી ફંફોસી લીધા છે. આ ઉપરાંત બંને એટલે કે પતિપત્નીના મોબાઈલ ચેટમાંથી પણ બંને વચ્ચે તકરાર થયાની વિગત સામે આવી હતી. અંતે આ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને આપી દેવાતા આ કોકડું ઉકેલાય એવી આશા રાખવામાં આવી રહી છે.
આ કેસ સાથે પીઆઈ દેસાઇનો ગાંધીનગરમાં આવેલી એફએસએલમાં નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે. બીજી તરફ સ્વીટી પટેલની કોઈ પ્રકારની ભાળ મળી નથી. દિવસે દિવસે આ કેસ વધારે આંતરિક તપાસ અને પાસાઓ પર ગુંચવાઈ રહ્યો છે. જેથી હવે ટેકનિકલ અને એફએસએલની મદદની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસમાં પોલીસને શંકાસ્પદ લાગતા વ્યક્તિઓની પુછપરછ કરવામાં આવી રહી છે. આ લોકોના એસડીએસ, પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવાની કરવા સુધીની કામગીરી પર તજવીજ શરૂ થઈ ચૂકી છે. વડોદરા જિલ્લા પોલીસ તરફથી પીઆઈ અજય દેસાઈનું ડિટેક્શન તેમજ પોલિગ્રાફ ટેસ્ટ કરાયો હતો. પોલીસ હવે બંને રીપોર્ટની રાહ જોઈ રહી હતી. એવામાં સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ATSને આપી દેવામાં આવી છે. હાડકાની તપાસ માટે પણ લેબમાં મોકલાયા હતા એનો રીપોર્ટ પણ હજું આવવાનો બાકી છે.ત્યારે હવે આગળ આ કેસમાં શું થાય છે તેના પર સૌની નજર છે.