લોકોની 'મન કી બાત' મુખ્યમંત્રીએ જાહેરમાં બોલી નાંખી, સોપો પડી ગયો
જૂનાગઢમાં મૃદુ મુખ્યમંત્રીએ મકકમતાથી મીડિયા સમક્ષ કહ્યું કે..

Mysamachar.in:જુનાગઢ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું મૃદુપણું અને તેઓની મકકમતા બંને જાણીતી બાબત છે. તેઓનો કોઈ અંગત એજન્ડા ન હોવાથી તેઓ પ્રજાની મન કી બાત જાહેરમાં બોલી શકે છે અને નેતાઓ તથા અધિકારીઓ સહિત સૌ લાગતાં વળગતાઓને ઘણું બધું સમજાવી દે છે. તાજેતરમાં અમદાવાદ ખાતે મીડિયાના મહત્વ અંગે તેઓ સોઈ ઝાટકીને બોલ્યા હતાં, ત્યારબાદ જૂનાગઢ ખાતે પણ તેઓએ સૌ સંબંધિતોને પ્રજાધર્મની યાદ અપાવી છે અને લોકોના મનની વાત તેઓ પોતાના મુખે બોલ્યા છે. જૂનાગઢમાં ગેરકાયદે બાંધકામો અથવા દબાણોને કારણે ભારે પૂર આવ્યું હતું. લોકો ભયાનક રીતે હેરાન થયા. અને લોકોએ ચિલ્લાઈને પોતાનો ગુસ્સો જાહેરમાં વ્યકત પણ કરેલો છે. લોકોની આ વેદનાનો પડઘો CMના વક્તવ્યમાં પડઘાયો છે.
મુખ્યમંત્રીએ ખૂબ જ મૃદુ રીતે અધિકારીઓ અને નેતાઓને સમજાવી દીધું કે, ગેરકાયદેસરના બાંધકામો તમારે દૂર કરાવવા જ પડશે. લોકોને સારાં રોડ આપવા મહાનગરપાલિકાને તાકીદ કરી હતી. તેઓએ લોકોને કહ્યું, સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપશે કે, લોકોને કોઈ તકલીફ ન પડે. તેઓએ મેયરને વિશેષ જવાબદારીઓ સોંપી હતી. CMએ જાહેરમાં એમ પણ કહ્યું કે, પ્રજા ખૂબ દુઃખી થઈ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વોંકળા પર ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવા કલેક્ટર અને કમિશનરને સૂચનાઓ આપી દેવામાં આવી છે. નદીને ઉંડી કરવા અંગે પણ તેઓએ ખાસ યોજનાનો સંકેત આપ્યો. વિપક્ષે જો કે એમ કહ્યું કે, પ્રજા સમક્ષ CMએ સ્થાનિક શાસકોનો બચાવ કરવો પડે તે કેવું વિચિત્ર લેખાય ?! વિપક્ષે એમ પણ કહ્યું કે, સમસ્યાઓ માટે જવાબદારોને રખોપું સોંપાયું !! મુખ્યમંત્રીએ ટાઉનહોલની સ્થિતિ તથા રસ્તાઓ બાબતે સ્થાનિક તંત્રને ટકોર કરવી પડી હતી. મુખ્યમંત્રીએ એમ પણ કહેવું પડયું કે, દીવાળી પહેલાં લોકોને હેરાનગતિઓમાંથી બહાર કાઢો.