Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રે પણ કોવિડ રસીકરણ કામગીરીને વેગ આપવા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ 9 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે પૂર્ણ સમય સુધી કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં જામજોધપુર, જાંબુડા, ધ્રોલ, જોડીયા, ધુતારપર, લાલપુર, કાલાવડ, સિક્કા તથા ડબાસંગ આરોગ્ય કેન્દ્રોને આવરી લેવામાં આવ્યા છે તેમજ ઉપરોક્ત તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે રસીકરણની આ કામગીરી પૂર્ણ સમયની એટલે કે સવારે 10:00 થી 5:00 કલાક સુધી શરૂ રહેશે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા લોકોને અનુરોધ કરતાં જણાવાયું છે કે, જામનગર જિલ્લોએ સમગ્ર રાજયમાં કોવિડ રસીકરણની કામગીરીમાં અગ્રસ્થાને છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ વધુમાં વધુ કોવિડ રસી લઈ કોરોના સામેની લડાઈમાં પોતાનો સહયોગ આપે તે ઇચ્છનીય છે.