પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહનચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલ કરાશે

ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે 

પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહનચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલ કરાશે
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-ગાંધીનગર:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા  એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની સૂચનાઓ આપી છે.હાલ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં ફરજિયાત માસ્ક પહેરવા અંગે અને તેના સઘન અમલ માટે પોલીસ તંત્ર દ્વારા ઝૂંબેશ સર્વેલન્સ મોટા પાયે હાથ ધરાઇ રહી છે. મુખ્યમંત્રી સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા વાહન ચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે. આ રજૂઆતોનો સંદર્ભે નિર્ણય કર્યો છે કે હવે આવા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવામાં આવશે.

ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. 500  અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. 1000 નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે  એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે.  રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-1988 અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.