અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કારે લીધા અડફેટ, 7 ના થયા મોત 

હજુ કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર

અંબાજી જઈ રહેલા પદયાત્રીઓને કારે લીધા અડફેટ, 7 ના થયા મોત 

Mysamachar.in-અરવલ્લી:

અરવલ્લીના કૃષ્ણાપુર પાસે એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં એક કાર ચાલકે ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને કચડ્યા છે. જેમાં 7 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.અંબાજી જતા પદયાત્રીઓને અરવલ્લીના કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લીધા હતા. જેથી 7 લોકોના મોત જ્યારે 9 લોકોને ઈજા પહોંચતા હાઈવે લોહિયાળ બન્યો હતો.

સ્થાનિક પોલીસ કારની નંબર પ્લેટ પર લખેલા નંબર એમએચ 03 સીકે 0178 પરથી આગળની કાર્યવાહી શરૂ કરી છે. નોંધનીય છે કે, આ અકસ્માત સર્જાતા આખું વાતાવરણ બૂમાબૂમ અને રોકકડથી ભરાઇ ગયુ હતુ.મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભાદરવી પૂનમમાં પાવન પર્વે મા અંબાના દર્શન કરવાનું અનેરું માહત્મ્ય હોય છે. ત્યારે અંબાજી પગપાળા જઇ રહેલા પદયાત્રીઓને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. જેમાં 7 લોકોના મોત નીપજ્યા છે અને અન્ય છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. મહારાષ્ટ્ર પાસિંગની કારે આજે વહેલી સવારે માલપુરના કુષ્ણાપુર પાસે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને કચડ્યા છે. ઇજાગ્રસ્તોને માલપુર સીએસસી સેન્ટર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના અલાલી ગામના વતની હોવાનું સામે આવી રહ્યુ છે.સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધીને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

-રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ દુખ વ્યક્ત કર્યું 
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે ટ્વિટ કરતા જણાવ્યુ કે, 'અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. પચાસ હજારની સહાય આપશે.