ખંભાળિયા:યુવકને નગ્ન કરી બજારોમાં ફેરવવાનો મામલો , વધુ 2 શખ્સો પાસામાં ધકેલાયા

અગાઉ પાંચ શખ્સો સામે થઇ હતી પાસાની કાર્યવાહી

ખંભાળિયા:યુવકને નગ્ન કરી બજારોમાં ફેરવવાનો મામલો , વધુ 2 શખ્સો પાસામાં ધકેલાયા
તસ્વીર:કુંજન રાડીયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

જિલ્લા સાથે સમગ્ર રાજ્યભરમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા એક યુવાનના અપહરણ તથા નગ્ન અવસ્થામાં ફેરવવામાં આવેલા ફુલેકા પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસએ અતિ કડક પગલાં લઇ અને એફ.આઇ.આર.માં દર્શાવવામાં આવેલા પાંચ આરોપીઓ બાદ આ પ્રકરણમાં યેનકેન રીતે સંડોવાયેલા મનાતા વધુ બે શખ્સોના રિમાન્ડ બાદ તેઓને પણ પાસા હેઠળ ધકેલી દીધા છે. ખંભાળિયામાં રહેતા ચંદુ અરજણ ગઢવી નામના એક શખ્સ દ્વારા ફેસબુક મારફતે વાયરલ કરવામાં આવેલી કેટલીક બાબતો તથા આક્ષેપોનો ખાર રાખી અને તેનું અપહરણ કરીને લઇ ગયા બાદ તેને માર મારી અને નિર્વસ્ત્ર હાલતમાં ખંભાળિયા શહેરના ટ્રાફિકથી વ્યસ્ત એવા માર્ગો પર નગ્ન અવસ્થામાં લાંબો સમય ફેરવીને પોલીસ સ્ટેશને લઈ ગયાના બનાવમાં પોલીસે ગઢવી ભારા જોધા ભોજાણી, કિરીટ જોધા ભોજાણી, પ્રતાપ જોધા ભોજાણી, કાના જોધા ભોજાણી તથા માણસી ભોજાણી પાંચ શખ્સોની ધરપકડ કરી અને પાંચ દિવસની રિમાન્ડ બાદ આ પાંચેય શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામી અને યોગ્ય કાર્યવાહી બાદ તાજેતરમાં પાસા હેઠળ બરોડા તથા સુરતની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

જે બાદ  ગત સપ્તાહમાં તપાસનીસ જિલ્લા એલસીબી પોલીસે ખંભાળિયામાં ક્રિકેટના ડબ્બાના વ્યવસાય સાથે સંકળાયેલા વિનોદભાઈ ઉર્ફે વિનુ ડાડા કુરજીભાઈ વીઠલાણી ખંભાળિયાના  યોગેશ્વર નગરમાં રહેતા અને આરોપીના ભાઈ તથા ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગઢવી ધના જોધાભાઈ ભોજાણીની ધરપકડ કરી ગઈકાલે રવિવારે એક દિવસ સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ તેની સામે અટકાયતી પગલાં લીધા હતા. આ દરમિયાન જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ ચકચારી પ્રકરણની તપાસ કરી રહેલા એલસીબીના પી.આઇ. જે.એમ. ચાવડા તથા સ્ટાફે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિનોદ ઉર્ફે વિનુ ડાડા વિઠલાણી અને ગઢવી ધના જોધા ભોજાણી સામે પાસા અંગેના કાગળો તૈયાર કરી અને રજુ કરાતા જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ આ બન્ને શખ્સોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરવા માટેનો હુકમ આજે કરવામાં આવ્યો છે.કોરોના ટેસ્ટ બાદ આ બન્ને શખ્સોને આજે જ અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મોકલવા માટે એલ.સી.બી. સ્ટાફ રવાના થયો છે.

આમ, પોતાની ધાક બેસાડવા માટે કાયદો હાથમાં લઈને યુવાનનું નિર્વસ્ત્ર હાલતમાં ફુલેકુ કાઢી અને પોલીસને પડકાર ફેંકનાર પાંચ શખ્સો બાદ સંડોવાયેલા મનાતા અન્ય બે શખ્સો સામે પણ પોલીસની આ દાખલારૂપ કાર્યવાહીએ ગુનેગાર તત્વોમાં ફફડાટ સાથે દોડધામ પ્રસરી ગઇ છે.