વાલીઓ ચેતો, બાળક રમતો હતો ને સ્ક્રુ નાકમાં ફસાઈ ગયો જો કે...

દોઢેક સેન્ટીમીટરનો મોટો સ્ક્રુ દૂરબીનથી કાઢવામાં આવ્યો

વાલીઓ ચેતો, બાળક રમતો હતો ને સ્ક્રુ નાકમાં ફસાઈ ગયો જો કે...

Mysamachar.in-રાજકોટ:

ઘરમાં નાના બાળકો હોય તો ઘરના કોઈ અન્ય સભ્યે તેની પર સતત નજર રાખવી અનિવાર્ય એટલા માટે છે કે જો બાળક રમતમાં રમતમાં ક્યારેક ઘરની કોઈ નાની એવી વસ્તુઓ કે પછી રમકડાનો કોઈ પાર્ટ્સ ગળી જાય કે નાકમાં કે નાખી દે તો મોટી પરેશાનીનો સામનો કરવો પડે છે, આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો જ્યાં બાળક સ્ક્રુ નાકમાં નાખી દેતા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો જો કે ખાનગી તબીબે જહેમત ઉઠાવી અને સ્ક્રુ બહાર કાઢી લેતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો,

રાજકોટમાં રિશીભાઈ ઝીંઝુવાડીયાનો ત્રણ વર્ષનો દીકરો શૌર્ય છે. ઘરે રમતા રમતા શૌર્યએ નાકમાં જમણી બાજુ મેટલનો સ્ક્રુ નાંખી દીધો હતો. આ જોઈ તેના પિતા રિશીભાઈએ તરત જ તે સ્ક્રુ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. પણ બાળકે ઊંડો શ્વાસ લઇ લેતા સ્ક્રુ નાકમાં ઊંડે ઉતરી ગયો હતો. જે બાદ બાળકના પિતા તાત્કાલિક તેને રાજકોટના વિદ્યાનગર રોડ સ્થિત હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે તાત્કાલિક તપાસ કરતા માલુમ પડ્યું કે સ્ક્રુ નાકના ઊંડે ફસાઈ ગયો હતો. એક પણ ક્ષણની રાહ જોવા બાળકને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ જવાયો હતો. જ્યાં દૂરબીનથી મદદથી નાકમાં જમણી બાજુ ફસાયેલ મેટલનો સ્ક્રુ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપવામાં આવ્યો હતો.

બાળકનો સ્ક્રુ કાઢનાર ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે, બાળકની ઉમર માત્ર 3 વર્ષની હતી તેથી તેનું નાક બહુ જ સાંકડુ હતું. નાકની ખૂબ જ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલ મેટલનો સ્ક્રુ જો સરકીને ઊંડી ઉતરી ગયો હો તો તે શ્વાસનળીમાં ફસાઈ ગયો હોત. આવામાં બાળકના જીવનું જોખમ ઉભું થાત. વળી સ્ક્રુ કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા ઉભી થઈ શકી હોત. જોકે, સ્ક્રુ બહુ ઊંડે ફસાયો ન હોવાથી અમે તેને સરળતાથી કાઢી શક્યા હતા. આમ ત્રણ વર્ષના માસુમ બાળકના નાકમાંથી આશરે દોઢેક સેન્ટીમીટરનો મોટો સ્ક્રુ દૂરબીનથી કાઢવામાં આવ્યો હતો, અને બાળકના જીવને બચાવી લેવાયો હતો.પણ આ કિસ્સો જે ઘરમાં નાના બાળકો છે તે તમામ માટે ચેતવણીસમાન ચોક્કસથી કહી શકાય તેવો છે.