કાગળનાં કપ અને પ્લાસ્ટિકનાં ડબ્બાઓ આ રીતે નુકસાનકારક....

નેશનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો ગંભીર રિપોર્ટ

કાગળનાં કપ અને પ્લાસ્ટિકનાં ડબ્બાઓ આ રીતે નુકસાનકારક....
symbolice image

Mysamachar.in-જામનગર:

ઘણાં બધાં લોકો રેસ્ટોરન્ટ અને હોટેલોમાંથી ખાણીપીણીની ચીજો મંગાવતા હોય છે. તેઓને સફેદ અથવા કાળા રંગના પ્લાસ્ટિક ડબ્બાઓમાં આવી ચીજો ધંધાર્થીઓ દ્વારા મોકલવામાં આવતી હોય છે. ઘણાં લોકો ચા પણ કાગળનાં કપમાં પીતાં હોય છે. આ બધી જ બાબતો આપણાં આરોગ્ય અને જિંદગી માટે જોખમી અને જીવલેણ છે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ આ ગંભીરતા ઉજાગર કરે છે.

નેશનલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ કહે છે, આ પધ્ધતિને કારણે વપરાશકારો નર્વસ સિસ્ટમનો ડીસઓર્ડર, મેદસ્વિતા, કેન્સર જેવા રોગોનો શિકાર બની શકે છે ! ચા અને ખાદ્ય પદાર્થો (તેલ વગેરે) ની આ પ્રકારની ડિલેવરી સંબંધે લેબોરેટરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ તારણો જાણવા મળ્યા છે. આ પ્રકારના કાગળ અને પ્લાસ્ટિક લોક આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે.

તોલમાપ વિભાગનાં એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું છે કે, આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા તોલમાપ વિભાગે સંયુક્ત રીતે પગલાં લેવા જોઈએ. આ અંગે અગાઉ રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ! લેબોરેટરી નાં રિપોર્ટ અનુસાર, જેજે કેમિકલ નુકસાનકારક છે તેનાં નામો પણ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે. દેશની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી આ ક્ષેત્રમાં સૌથી મોટી પ્રમાણિત સંસ્થા છે. તેનાં રિપોર્ટને પણ સરકાર અને તંત્રો ગંભીર ન લેખે ! એ કેવડું મોટું અચરજ ?! જનતાનાં આરોગ્ય અને જિંદગી સાથે ખૂલ્લેઆમ ચેડાં ?! લોકોએ જાતે આ દિશામાં જાગૃતિ દાખવવાનો સમય પાકી ગયો છે.