કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટના ત્રાસ સામે ટેકનીકલ સ્ટાફની દર્દનાક રજુઆત
દરેક બ્રાંચના કામ ટલ્લે ચડાવવા અને અધિકારીઓના અપમાન કરવાની જ પૈરવી

Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં અધિકારીઓનું સોશ્યલ મીડિયા ગ્રુપ થોડાદિવસો પૂર્વે ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું, અને જે બાદ ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મળની કાર્યપ્રણાલીઓ સામે આંગળીઓ ચિંધાવવાનું શરુ થયું ગયું હોય તેમ ખુદ શાશકપક્ષ ભાજપના બે સભ્યો દ્વારા કમિશ્નરને મનપાના નાણાને લઈને રજૂઆત કરી હતી અને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, એવામાં જીગ્નેશ નિર્મળના વાણી વર્તન અને વ્યવહારથી કંટાળી ચુકેલ જામનગર મહાનગરપાલિકાના 57 જેટલા કર્મચારીઓ દ્વારા પોતાનું નામ અને સામે સહી કરેલ એક પત્ર કે કમિશ્નરને સંબોધીને લખવામાં આવેલ છે તે મુખ્યમંત્રી થી માંડીને મંત્રી, કમિશ્નરથી માંડીને પદાધિકારીઓને પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અને એક અધિકારીની જોહુકમી બંધ કરાવવા એક કહેવત છે ને કે લાકડી એકલી હોય તો ગમે તે તોડી નાખે પણ લાકડીનો ભારો હોય તો તોડવો મુશ્કેલ બની જાય છે, તેમ જીગ્નેશ સામે જંગ ચાલુ થવાના એંધાણ આજના પત્ર પરથી લાગી રહ્યા છે. ટેકનીકલ સ્ટાફ દ્વારા કમિશ્નર જામનગરને સંબોધીને કરેલ રજુઆતમા જણાવાયુ છે કે જામનગર મહાનગરપાલિકા ચીફ એકાઉન્ટ જેની લાયકાત CA છે.
જેને મ.ન.પા દ્વારા આસિસ્ટન્ટ કમિશ્નર ટેકસ તથા વહીવટનો ચાર્જ (ઇન્ચાર્જ) આપવામાં આવેલ છે. જીગ્નેશ નિર્મલ દ્વારા મ.ન.પાના કર્મચારી થી લઈ અધિકારી અને કંટ્રોલીંગ અધિકારી સુધી કોઈ સાથે યોગ્ય વર્તન કરવામાં આવતું નથી તે હંમેશા બધા સાથે જોહુકમીભર્યું વર્તન કરે છે. તથા તમામને નીચા દર્શાવી પોતેજ સૌથી ઇન્ટેલીજંટ તથા તમામ શાખાઓની તમામ પ્રોજેકટોના જાણકાર હોય તે રીતે વર્તન કરે છે. હકીકતે તે કોઈ ટેકનીકલ વ્યક્તિ ન હોવા છતાં ટેકનીકલ બાબતોમાં પણ દખલગીરી કરી ટેકનીકલ સ્ટાફને નીચા દેખાડવાની કોશિશ કરે છે. જ્યારે કમીશનર દ્વારા કોઈ સ્પેશિફિકેશન બાબત માટે તેને સોપવામાં આવે છે. ત્યારે તેઓ પોતાનું નોલેજ બતાવવા માંગવામાં આવેલ માહિતી કરતાં પણ વધુ આખી ફાઇલને ટેન્ડર સહિત સ્કૂટીની કરે છે. તથા જે ટેકનીકલ બાબતો હોય તેમાં પણ પોતાના અભિપ્રાયો રજૂ કરી આપની સૂચનાને પણ ઉપરવટ જાય છે. તેની હમેંશા કોશિશ હોય છે કે બીજી શાખાઓની કામગીરી કે પ્રોજેકટ સમયસર પૂર્ણ ન થવા જોઈએ અને તે માટે તે પોતાની પૂરી કોશિશ કરતાં જોવા મળે છે.
જે અંગેના પણ ઉદાહરણો પણ છે. લાઇટ શાખાના એલ.ઇ.ડી. પ્રોજેકટ કે જેને નેશનલ લેવલનો એવોર્ડ પણ મળેલ તે શાખા તેઓએ જમીનદોસ્ત જેવી કરી નાખેલ છે.આવા અન્ય પ્રોજેકટો પણ છે કે જેને નેશનલ લેવલના એવોર્ડસ મળેલ છે. પરંતુ તે પ્રોજેકટો પૂર્ણ ન થાય તે માટે યેનકેન પ્રકારે અડચણો ઊભી કરેલ છે. આજ રીતે પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ શાખા કોમ્યુટર શાખા જેવી અન્ય શાખાઓના પ્રોજેકટો પણ વિલંબમાં નાખી દેવામાં આવેલ છે. જેના કારણે નુકશાન તો આખરે મહાનગરપાલિકા તથા શહેર થાય છે. કોઈપણ ફાઇલ એકાઉન્ટ શાખામાં જ્યારે પેમેન્ટ માટે જાય ત્યારે એકાઉન્ટ શાખાએ ફકત પેમેન્ટ માટેની મંજૂરી મેળવી પેમેન્ટ કરવાનું હોય છે. જેના બદલે સતાની ઉપરવટ જઇ જીગ્નેશ નિર્મલ ઘણી ફાઈલોમાં શાખા અધિકારીને ફોન કરી બિન જરૂરી કવેરી કરી અને પુર્તતા કરવાનું કહે છે. જે શાખાના તેઓ કંટ્રોલીંગ અધિકારી હોય તેની ફાઈલોમાં તેઓને જો કોઈ બાબત ન સમજાય તો તે બાબતની તેઓ લેખિતમાં પુર્તતા માંગી શકે છે,
પરંતુ તેમ કરવાના બદલે તેઓ આદત મુજબ શાખા અધિકારીશ્રીઓને કે શાખાના ઈજનેરોને ફોન કરી માનહાનિ થાય તે રીતનું વર્તન કરે છે. જે કાયદેસર રીતે પણ યોગ્ય નથી... વધુમાં તેઓ દ્વારા ફાઈલો પર બિનજરૂરી કવેરીઑ પણ એટલી બધી ઉપસ્થિત કરે છે કે શાખા દ્વારા ઘણી વખત પ્રોજેકટોને કે મેઈન્ટેનન્સના કામોને શાખા દ્વારા પડતાં મૂકવા સુધીને ફરજ પડે છે. જે મ.ન.પા તથા શહેર માટે નુકશાનકર્તા સાબિત થાય છે, જીગ્નેશ નિર્મલના વાણીવિલાસ તથા વર્તનથી મ.ન.પા નો સમગ્ર ટેકનીકલ સ્ટાફ ખુબજ નારાજ છે જે મહાનગરપાલિકામાં તેઓના વર્તનથી નારાજગી બાબત વોટીંગ કરાવવામાં આવે તો 90% સ્ટાફ તેઓની વિરુદ્ધ વોટીંગ કરે જે માટે કોઈપણ સમયે આ તક આપી શકો છો તેમ પણ કમીશનરને આ 57 ટેકનીકલ સ્ટાફે રજુઆતમા લેખીત આપ્યુ છે તેમજ તમામએ સહી કરી ચીફ એકાઉન્ટન્ટના ત્રાસની દર્દનાક રજુઆત કરી છે હવે કમિશ્નર કેવી ગંભીરતા લે છે તે જોવાનુ છે તેમજ એકી સાથે એક અધિકારી વિરૂદ્ધ આટલી સંખ્યામા વિરોધ રજુઆત થયાનો આ નિર્મલનો જ પ્રથમ બનાવ છે માટે વધુ ગંભીર બની જાય છે.