Mysamachar.in-જામનગર
દારુ ઘૂસાડનારાઓ કોઈ પણ તરકીબ અજમાવીને દારૂ ઘુસાડી દેતા હોય છે. અવનવી તરકીબો તો અજમાવવામાં આવે છે, પરંતુ આવી તરકીબોને ક્યારેક પોલીસ ખુલ્લી પાડી દે છે, જામનગર-ખંભાળિયા ઘોરીમાર્ગ પર પડાણા પાટીયા નજીક મેઘપર પોલીસે કારને અટકાવી તેની તલાશી લેતા ચોરખાનામાં સંતાડેલા ઇંગ્લીશ દારૂની 53 બોટલ મળી આવી હતી.પોલીસે ચાલક સહિત જામનગરના ત્રણ શખ્સોને પકડી પાડયા હતા પ્રથમ દ્રષ્ટીએ નજર ન પડે તેવી રીતે દારૂની હેરાફેરીના પ્રયાસનો કિમિયો મેઘપર પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
જામનગર-ખંભાળીયા ઘોરીમાર્ગ પર પડાણા પાટીયા પાસે મેઘપરના પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ટીમને પડાણા પાટીયા પાસે દારૂની હેરાફેરી મામલે બાતમી મળી હતી જેના આધારે પોલીસે પડાણા પાડીયા પાસે કારના શો રૂમ સામે રોડ પર વોચ ગોઠવી હતી,
દરમિયાન પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને રોકી તેની તલાશી લીધી હતી.જે તલાશી દરમિયાન કારની સીટ પાછળ ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની 53 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ. 26,500ની કિંમતનો દારૂ, ત્રણ મોબાઇલ અને કાર સહિત રૂ.1,78,500નો મુદામાલ કબજે કરી કાર સવાર જામનગરના બીપીન કારાભાઇ મુછડીયા, અમીત સુરાભાઇ અસ્વાર અને નિખીલ ઉર્ફે ભુરો હરીશભાઇ સવરીયાને પકડી પાડયા હતા.
આ શખસોની પુછપરછમાં દારૂનો જથ્થો ભગવાન ભરવાડ(રે.લાકડીયા ગામથી રાધનપુર હાઇવે, જી.કચ્છ-ભુજ) નામના શખ્સ પાસેથી લીધો હોવાનુ કબુલ્યુ હતુ. આ કાર્યવાહી મેઘપર પી.એસ.આઈ ડી.એસ.વાઢેર, માંડણભાઈ વશરા, કે.સી.જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને ફૈઝલ ચાવડાએ કરી હતી.