બૂટલેગરો બેફામ, પતિ-પત્નીને ભરબજારે જાહેરમાં ઢોર માર માર્યો

માર મારતો વીડિયો વાયરલ

બૂટલેગરો બેફામ, પતિ-પત્નીને ભરબજારે જાહેરમાં ઢોર માર માર્યો

Mysamachar.in-અમદાવાદઃ

મેટ્રો સિટી અમદાવાદમાં તહેવાર ટાણે જ કાયદાવ્યવસ્થાના લીરે લીરા કરતી ઘટના સામે આવી છે. જાણે કે પોલીસનો ખોફ જ ન હોય તેમ બૂટલેગરોએ ભરબજારે એક દંપતીને ઢોર માર મારી ગંભીર ઇજા પહોંચાડી, કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા હુમલોકરનારા બૂટલેગરોનો દારૂ પકડાઇ ગયો હતો, તેઓને શંકા હતી કે આ દંપતીએ જ પોલીસને બાતમી આપી દારૂ પકડાવ્યો છે, જેનો ખાર રાખી 7 જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો, હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી, જો કે કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો 9 દિવસ પહેલા કરવામાં આવ્યો હતો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે.

 

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદ શહેરના વટવા પોલીસ મથકની હદમાં ચાની કિટલી ચલાવતાં પતિ-પત્ની પર સાત જેટલા શખ્સો ધોકા-પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો, નરાધમોએ મહિલાના વાળ પકડી ઢસડી ઢસડી માર માર્યો, આ હુમલા પાછળ કહેવામાં આવી રહ્યું છે કે બૂટલેગરો દ્વારા કરવામાં આવ્યો છે. જેઓને શંકા હતી કે આ દંપતીએ પોલીસને બાતમી આપી તેઓનો દારૂનો માલ પકડાવી દીધો હતો. ઘાયલ દંપતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદ બાદ પોલીસ તપાસમાં સીસીટીવી સામે આવ્યા છે. હુમલાની ઘટના દરમિયાન બૂટલેગરોએ સીસીટીવી પણ તોડી નાખ્યા હતા. એક તરફ તહેવારો આવી રહ્યાં છે, જેને લઇને દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે, તો બીજી બાજુ ભરબજારે જાહેરમાં દંપતી પર હુમલાની ઘટનાએ પોલીસ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે.