એક ટ્રાન્સફોર્મર અનેક સવાલ

વીજ વિભાગ તો ખરા પણ ખાણખનીજની ભૂંડી ભૂમિકા, અધિકારી તલાટ પાસે નથી સમય 

એક ટ્રાન્સફોર્મર અનેક સવાલ

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના જામજોધપુરમાં વીજવિભાગ અને ખાણ ખનીજ વિભાગ સહિતની કચેરીઓની મિલીભગતને કારણે સરકારને કરોડો રૂપિયાની નુકશાની થઇ રહી છે.એવામાં થોડા દિવસ પૂર્વે વડોદરા વિજીલન્સ ટીમ દ્વારા પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મૂકી અને ખાણમાં કરવામાં આવતા ગેરકાયદે ખનન બાદ વીજવિભાગ અને ખાણ ખનીજ એમ બન્ને વિભાગો સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. અને માટે જ કદાચ ખાણ ખનીજ વિભાગ જામનગરના અધિકારી તલાટ આ મામલે કઈ જ કેહવા તૈયાર ના હોય તેમ લાગે છે.આ મામલે પીજીવીસીએલના સુત્રો દ્વારા આપવામાં આવેલ માહિતી પરથી જે સવાલો ઉભા થાય છે તે પણ ગંભીર છે.અને જો તેની તટસ્થ તપાસ થાય તો હજુ વધુ સ્ફોટક વિગતો પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

-જે ટ્રાન્સફોર્મર કબજે કરવામાં આવ્યું છે તે 65થી100 કિલોવોટ કેપેસીટીનું છે.તો આ કઈ રીતે જે જગ્યાએ દરોડો પડ્યો ત્યાં કઈ રીતે પહોચ્યું હશે.?

-જેટલા દિવસથી આ ટ્રાન્સફોર્મરમાંથી વીજચોરી થઇ તે જામજોધપુર સબ ડીવીઝનને ટીએનડી લોસ અંગે કેમ કોઈ ખ્યાલ જ ના આવ્યો.?

-આટલું મોટું ટ્રાન્સફોર્મર અને તેમાં આટલી મોટી હાઈપાવરની લાઈનમાં છેડા કોણે લગાવ્યા હશે..લાઈન બંધ કર્યા વગર જ આ કામ થયું હોય ખરા.? અને કોણે આવી લાઈન ચાલુ કરવા માટે કરી મદદગારી.?

-ખાસ પ્રકારનો વાયર જે આ ટીસી માટે જરૂર પડે તે ક્યાંથી આવ્યો હશે..? તે વાયર અને ટીસી પણ પીજીવીસીએલની માલિકીના હશે કે..?

-આ ટ્રાન્સફોર્મર પ્રાઈવેટ છે કે ક્યાંથી આવ્યું તેની તપાસ થવી પણ જરૂરી

આ સમગ્ર મામલે GUVNL પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ કુલ 5 ઈસમો વિરુદ્ધ નોંધાઈ છે ત્યારે હવે આ તપાસનીશ ટીમ તમામ પ્રશ્નોના જવાબ મેળવી અને જો વધુ ઈસમોની આં કરોડોની વીજચોરીમાં અને ખનીજચોરીમાં સંડોવણી હશે તો શું કાર્યવાહીના મૂળ સુધી પહોચી શકશે કે કેમ તે જોવાનું છે..

આ તો થઇ પીજીવીસીએલની વાત હવે ખાણ ખનીજ વિભાગની વાત કરવામાં આવે તો એક વખત માહિતી  આપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપનાર ખાણ ખનીજ વિભાગ જામનગરના અધિકારી તલાટ જાણે આ મામલે કાંઈજ કેહવા ના માંગતા હોય તેમ તેવોએ ફોન પર આવવાનું સતત ટાળી રહ્યા છે. જે ખાણ ખનીજ વિભાગની કચેરી સામે પણ આંગણી ચિંધનારં છે કારણ કે જે રીતે જે જગ્યાએ આ રેઇડ થઇ ત્યાંથી એક સૂત્ર માહિતી આપતા કહે છે કે અહી ટોટલ 6 ચકરડીઓ ગેરકાયદેસર પાવર મેળવીને છેલ્લા કેટલાય સમયથી ચાલતી હતી.જે ખાણ ખનીજ વિભાગે કોઈ “ચોક્કસ” કારણોસર કબજે કરેલ નથી કે ફોજદારી ફરિયાદ પણ કરેલ નથી.અને આટલું મોટું ખનન લાંબા સમય સુધી થયું હોય તે કચેરીની જાણ બહાર હોય તેમ પણ માની શકાય તેવું તો નથી જ.