રાજ્યમાં વધુ એક પરીક્ષા અચાનક રદ કરવામાં આવી !

હજારો વિદ્યાર્થીઓમાં રોષ

રાજ્યમાં વધુ એક પરીક્ષા અચાનક રદ કરવામાં આવી !
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

રાજ્યમાં વિવિધ સરકારી ભરતીઓમાં ગેરરીતિનો મુદ્દો હજી શાંત નથી પડ્યો ત્યાં વધુ એક સરકારી વિભાગની પરીક્ષા અચાનક રદ કરી દેવામાં આવતા હજારો વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. મળતી માહિતી પ્રમાણે વીજકંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની ભરતી માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, હવે અચાનક તેની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ કરવાની જાણકારી ઉમેદવારો મોબાઇલમાં મેસેજ મોકલી કરવામાં આવી હતી. પરીક્ષા કેમ રદ કરવામાં આવી છે તે કારણ પણ જણાવવામાં આવ્યું નથી. જેથી પરીક્ષા રદ થયાનો મેસેજ વાંચ્યા બાદ હજારો ઉમેદવારોમાં રોષની લાગણી ફેલાઇ છે.

વીજ કંપનીઓમાં વિવિધ પદ ભરવા માટે જુલાઇ 2018માં ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેમાં ફોર્મ ભરવા માટે રૂપિયા 500 ફી પણ ઉઘરાવવામાં આવી હતી. પરીક્ષા રદના મેસેજમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફોર્મ ફી પરત આપવામાં આવશે. એક ગુજરાતી ન્યૂઝ વેબસાઇટે સૂત્રોના હવાલેથી લખ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની જે લાયકાત નક્કી કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે.સરકારે EWSના ક્વોટાના નિયમના અમલવારીના કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે. જો કે આ અંગેની વધુ માહિતી માટે ઉમેદવારોએ www.dgvcl.com વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.