એક તરફ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ અને બીજી તરફ વધુ વરસાદની આગાહી !

કેટલાંક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની મૂડમાં : સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

એક તરફ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ અને બીજી તરફ વધુ વરસાદની આગાહી !

Mysamachar.in:ગીર સોમનાથ

નજીકનાં ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં જયારે વાવાઝોડાની દહેશત હતી ત્યારે અને કચ્છમાં વાવાઝોડું ફૂંકાયું ત્યારે સૌને એમ હતું કે, હવે ચોમાસું ખેંચાશે. વરસાદ ઓછો પડી શકે છે એવું અલનીનોની અસરોની ચર્ચા સાથે પણ કહેવાતું હતું. અને આ વર્ષે નૈઋત્ય ચોમાસું મોડું શરૂ થયું એ બાબતે પણ ઘણી ચર્ચાઓ ચાલી. પરંતુ સૌનાં અચરજ વચ્ચે, આ બધી સ્થિતિઓ પછી, મેઘરાજા સર્વત્ર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં જૂનાગઢ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં તો મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે પણ સાંબેલાધાર વરસાદ વરસતાં શહેરમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં અતિ વરસાદને કારણે લાખો લોકો પરેશાન છે. આ પ્રકારની સ્થિતિ વચ્ચે હજુ પણ હવામાન વિભાગ વધુ વરસાદની આગાહી આપી રહ્યો હોય, લાખો લોકો ચિંતામાં છે.

આજે સવારે જાહેર થયેલી વિગતો અનુસાર, બુધવારનો સમગ્ર દિવસ રાજ્યમાં વરસાદ સંદર્ભે ઘાતક સાબિત થઈ શકે છે ! કેટલાંક જિલ્લાઓમાં રેડ ઝોન પણ અપાયું છે. કેટલાંક જિલ્લાઓમાં ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. અને ઘણાં બધાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં જામનગરનો પણ સમાવેશ થાય છે. નવી આગાહી મુજબ, રાજ્યમાં અમરેલી - ભાવનગર અને વલસાડમાં આજે વરસાદનું રેડ ઝોન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, ગીરસોમનાથ અને નવસારી જિલ્લામાં ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં યલો ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જામનગર અને કચ્છ સહિતના કેટલાંક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે આટલાં વરસાદ પછી પણ રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં હજુ વરસાદની સારી એવી ઘટ છે. કારણ કે ઘણાં વિસ્તારોમાં દિવસો સુધી વરસાદ નથી આવતો અને જયારે પડે છે ત્યારે ટૂંકા ગાળામાં મૂશળધાર વરસાદ વરસે છે. જેને પરિણામે આવાં વિસ્તારોમાં વરસાદને કારણે લાખો લોકો પરેશાન પણ જોવા મળે છે.