Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા::
જામનગર તથા દ્વારકા જિલ્લામાં સાત વિધાનસભા પૈકી મોટાભાગની બેઠકો પર ત્રણ મુખ્ય પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે પરંતુ કેટલીક બેઠકો પર હજૂ કોકડું ગૂંચવાયેલું હોવાની સ્થિતિ જોવા મળી રહી હોય, મતદારોમાં પણ ભારે ઉત્તેજના અને ઉત્સુકતા જોવા મળે છે. આ પ્રકારની બેઠકોમાં જામનગર ગ્રામ્ય, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર આમ આદમી પાર્ટીએ સૌ પ્રથમ ઉમેદવારનાં નામની જાહેરાત કરી જે નવા નિશાળિયા છે, ભાજપાની વાત કરીએ તો આ બેઠક પર પક્ષમાં ઘણાં દાવેદારો હતાં પરંતુ પાર્ટીએ વર્તમાન ધારાસભ્યને ફરીથી ટિકિટ આપતાં પટેલ વિરુદ્ધ પટેલનો જંગ નિશ્ચિત છે. જો કે બંને ઉમેદવારો વચ્ચે સરખામણી ન કરી શકાય. ભાજપાનાં ઉમેદવાર કસાયેલા અને રાજકારણનાં લાંબી ઇનિંગ્સનાં પૂરવાર થયેલાં ખેલાડી છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હજૂ સુધી જાહેર થયાં નથી. એમ માનવામાં આવે છે કે, કોન્ગ્રેસના એક પ્રબળ દાવેદારનાં દાવાને કારણે પાર્ટી મૂંઝવણમાં છે !
આવી જ અન્ય એક બેઠક દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક છે. જેમાં હજૂ સુધી માત્ર કોન્ગ્રેસ દ્વારા જ ઉમેદવારનાં નામની જાહેરાત થઈ છે. પાર્ટીએ વર્તમાન ધારાસભ્યને રિપિટ કર્યા છે. ભાજપા આ બેઠક પર કોને ટિકિટ આપવી ? આ બેઠક કોન્ગ્રેસ પાસેથી કેવી રીતે આંચકી લેવી ? વગેરે બાબતોની ચિંતામાં છે. કારણ કે, કોન્ગ્રેસના વર્તમાન ધારાસભ્ય મજબૂત ખેલાડી છે. ભાજપા માટે અહીં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે ! અને, આમ આદમી પાર્ટી પણ અહીં મોટાં માથાંને લડાવવાની વાતો વહેતી કરે છે પરંતુ જાણકારોના મતે મોટું માથું અહીં હોળીનું નારિયેળ શા માટે બને ?! મોટાં માથાં સામાન્ય રીતે ‘ સલામત ‘ બેઠક શોધતાં હોય છે ! આમ, આ બેઠક પર પણ સૌનાં પેચ ફસાયેલા છે !
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા-કલ્યાણપુર બેઠક પણ ચર્ચિત છે. ભાજપાએ જાહેર કરેલાં ઉમેદવાર 35 વર્ષથી અહીં બાહુબલિ પૂરવાર થયેલાં છે. જો કે, 2017 ની ચૂંટણીમાં આ બેઠક જિતવા ભાજપાને મોઢે ફીણ આવી ગયા હતાં, અંતે એક અપક્ષની મદદથી કોન્ગ્રેસના ઉમેદવારનું રાજકીય એન્કાઉન્ટર માંડ માંડ શક્ય બન્યું ! આ વખતે શું થશે ?! અને, આ વખતે તો આમ આદમી પાર્ટી પણ છે. આ ત્રણેય બેઠકો પર હજુ ઘણાં ઉમેદવારોની પસંદગી બાકી હોય, લોકોમાં જાતજાતની વાતો સાંભળવા મળી રહી છે.