હવે છેક બોલો...બંધ મકાનમાંથી 4 કરોડ ઉપરની જૂની ચલણી નોટો મળી

પોલિસને બેન્કની મદદ લેવી પડી

હવે છેક બોલો...બંધ મકાનમાંથી 4 કરોડ ઉપરની જૂની ચલણી નોટો મળી
file image

Mysamachar.in-ગોધરા

નોટબંધી થયાના વર્ષો વીતી ગયા બાદ હજુ પણ જૂની એટલે કે બંધ થઇ ગયેલ નોટો મળવાનો સિલસિલો અટકતો નથી,, આ વખતે લાખો હજારો માં નહિ કરોડોમાં જૂની ચલણી નોટો મળી આવતા પોલીસને પણ એક તબક્કે પરસેવા પડી ગયા હતા, કારણ કે આટલી બધી નોટો ગણવા બેન્કની મદદ લેવી પડી...વાત ગોધરાની  થઇ રહી છે જ્યાં મોહંમદી સોસાયટીના બંધ મકાનમાંથી રૂ. 4.76 કરોડની સરકારે બંધ કરેલી જૂની ચલણી નોટો મળી આવતાં  ચકચાર મચી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છ, જેમની પાસેથી ઇન્ડીકા કાર અને  ચલણી નોટો કબ્જે કરવામાં આવી છે.

કબજે કરેલી નોટો ગણવા માટે પોલીસને બેંકોમાંથી કાઉન્ટિંગ મશીનો લાવવાની ફરજ પડી હતી. મળી આવેલી ચલણી નોટો રૂ. 500 અને રૂ.1000ના દરની છે. સમગ્ર બનાવામાં પોલીસે એક મુખ્ય આરોપીને વોન્ટડ જાહેર  કર્યો છે.ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેડ સર્કલ ગરનાળા પાસે  આવેલી ટાયરની દુકાન નજીક ઇન્ડીકા ગાડીમાં ઇંદ્રિશ હયાત  અને તેનો પુત્ર ઝુબેર હયાત તથા ફારૂક ઇશાક છોટા પાસે મોટા જથ્થામાં ભારતીય બનાવટની ચલણી નોટોનો  ગેરકાયદેસર વહીવટ કરી રહ્યા હોવાની એસઓજી પીઆઇને બાતમી મળી હતી. જે આધારે પોલીસે બાતમીના સ્થળે તપાસ કરતાં ફરૂક  છોટા હાજર મળી આવ્યો હતો.

તેની પાસેથી એક હજાર દરની જૂની  ચલણી નોટોના પાંચ બન્ડલ મળી આવ્યા હતા. તેની વધુ પૂછપરછ દરમિયાન ઇંદ્રિશ સુલેમાન હયાત અને તેનો પુત્ર ઝુબેર હયાતની  તપાસ કરતાં ઇંદ્રિશ હયાત ભાગી છૂટયો હતો. તેનો પુત્ર ઝુબેર  ઇન્ડીકામાંથી ઝડપાયો હતો. તેમના ઘરની તપાસ દરમિયાન બંધ મકાનમાંથી એક હજાર દરની 9312 અને પાચસોના દરની 76,739 નોટો મળી કુલ રૂ. 4,76,81,500 મળી આવ્યા છે.પોલીસે તમામ ચલણી નોટો કબ્જે લઈ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે  લાવી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બેંકના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગણતરી કરવામાં આવી હતી. અધધ માત્રામાં મળી આવેલી ચલણી નોટો ગણત્રી કરવા માટે પોલીસને શહેરની બેંકોમાંથી  કાઉન્ટીગ મશીનો લાવવાની ફરજ પડી હતી.