ખાનગી શાળાઓની જેમજ ખાનગી કોલેજોનુ માજા મુકતુ દુષણ

વાલીઓ કાળઝાળ

ખાનગી શાળાઓની જેમજ ખાનગી કોલેજોનુ માજા મુકતુ દુષણ
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર પંથકમા ખાનગી શાળાઓની જેમ જ અમુક ખાનગી કોલેજોનુ એવુ દુષણ છે કે હવે  વાલીઓ અને વિદ્યાર્થીઓ મજબુરીમા પિસાવાને બદલે કાળઝાળ થઇ રહ્યા છે, કેમ કે જામનગર શહેરની અંદર અને લગત હાઇવે ઉપરની ખાનગી કોલેજો જેમા પુરતા સ્ટાફ નથી પુરતા બીલ્ડીંગ નથી નિયમાનુસાર પુરતી સુવિધાઓ નથી  જે અંગેની ચોંકાવનારી વિગતો સામે આવી છે, ગત વિધાનસભામાં  શિક્ષણનો મુદ્દો ઉછળ્યો હતો. રાજ્યમાં સતત કથળી રહેલા શિક્ષણ મુદ્દે ચર્ચાઓ અને સવાલ જવાબ થયા. વિપક્ષ દ્વારા સરકાર પાસે છેલ્લા કેટલાક વર્ષમાં કેટલી ખાનગી અને કેટલી સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવી તે અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં શિક્ષણ મંત્રી દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રીએ જે આંકડા રજૂ કર્યા તેને સાંભળીને તમામ ધારાસભ્યો સ્તબ્ધ થઇ ગયા હતા. રાજ્ય સરકાર પર શિક્ષણને ખાનગીકરણ કરવાના તો વર્ષોથી આરોપ લાગી રહ્યાં છે, પરંતુ શિક્ષણમંત્રીએ આંકડા જાહેર કરી આડકતરી રીતે સાબિતી પણ આપી દીધી.

શિક્ષણમંત્રીએ જણાવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની સરકારી 100, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજો છે. તે પૈકી છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માત્ર 1 સરકારી કોલેજને મંજુરી આપવામાં આવી છે, તેની સામે 40 ખાનગી કોલેજોને મંજુરી આપવામાં આવી છે, જ્યારે એકપણ ગ્રાન્ટેડ કોલેજને મંજુરી આપવામાં આવી નથી. સરકારી કોલેજોને મંજુરી આપવામાં આવી તેની સરખામણીએ ખાનગી કોલેજોને આપવામાં આવેલી મંજુરી ચાલીસ ગણી થાય છે. આમાં થી જામનગર અને દ્વારકા જિલ્લામા ચાલતી બે ડઝનથી વધુ ખાનગી કોલેજોની વિગતો જાણકારોએ આપી છે તે મુજબ મોટાભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ આક્રોશના મુડમા છે.