Mysamachar.in-નર્મદા:
નર્મદા LCB પોલીસે દિલ્હીથી એક મહિલાને ઝડપી પાડીને દેશવ્યાપી બોગસ ડિગ્રી-માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે દિલ્હીની મહિલાની ધરપકડ કરીને તેની પાસેથી દેશની 35 યુનિવર્સિટીની 237 ડિગ્રી અને 510 માર્કશીટ જપ્ત કરી છે. રાજપીપળાની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર-21ના રોજ એક બનાવટી વેબસાઈટ બની હતી. આ ઉપરાંત એક બનાવટી ડિગ્રી સર્ટી વેરીફીકેશન માટે આવી હતી. આ અંગે રજીસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજપીપળા પોલીસ અને નર્મદા LCB સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
આ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ શરુ કરતા પોલીસને કડી મળી કે બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ દિલ્હી ખાતેથી બેઉલાનંદ રેવ બીસી નંદ નામની મહિલાએ બનાવ્યા છે અને આ મહિલા નવી દિલ્હીના રાજાપુરી રોડ ઉત્તમનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. LCBની ટીમ દિલ્હી પહોંચી ગઇ હતી અને આરોપી મહિલાને ઝડપી પાડી હતી આ ઉપરાંત અલગ-અલગ એજ્યુકેશન યુનિવર્સિટી તથા સંસ્થાઓના કુલ-73 વેબસાઇટ ડોમેઇન મહિલા ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી મહિલા સાથે સંપર્ક રહેલા ગુજરાત અને ગુજરાત બહારના 31 એજન્ટની શોધખોળ શરૂ કરી છે.
-શું મળ્યું મહિલાના ઘરમાંથી…
પોલીસ દ્વારા મહિલાના ઘરની તપાસ કરવામાં આવતા દેશની અલગ-અલગ 35 યુનિવર્સિટીના 30 ડિગ્રી સર્ટિફિકેટ અને 10 માર્કશીટ, સ્ટેશનરી, કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના 94 રબર સ્ટેપ તથા ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક મળી આવ્યા હતા.