બુટલેગર નહિ પરંતુ પોલીસકર્મી જ કરતો હતો દારુ ભરેલ વાહનનું પાઈલોટીંગ 

આમાં ગુજરાત ક્યાંથી દારુમુક્ત બને.?

બુટલેગર નહિ પરંતુ પોલીસકર્મી જ કરતો હતો દારુ ભરેલ વાહનનું પાઈલોટીંગ 

My samachar.in : દાહોદ 

આમ તો સૌ જાણે છે તેમ ગુજરાતમાં દારૂબંધી છે, છતાં વર્ષે કરોડોનો દારુ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ઘુસી જાય છે અને તેમાંથી પોલીસની મહેનતથી કેટલીય વખત લાખોનો દારુ ઝડપાઈ પણ જાય છે તો ના ઝડપાયેલો પીવાઈ પણ જાય છે, એવામાં દારૂ ભરેલ વાહનનું પાઈલોટીંગ બુટલેગર કે તેના માણસો કરે ત્યાં સુધી સમજાય પણ ખુદ ખાખી જ આવી પ્રવૃત્તિને વેગ આપવા પાઈલોટીંગ કરે તો...જી હા આવો એક ચોકાવનારો અને પોલીસ વિભાગને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે, ઝાલોદ પોલીસ મથકના સ્ટાફ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં રાજસ્થાન સરહદે આવેલી ઝાલોદ તાલુકાની ધાવડિયા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં ઉભા હતાં. તે વખતે રાજસ્થાન તરફથી આવેલી આઇટેન કારમાં સંજેલી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજાધિન પ્રકાશ નરસિંગ નિનામા હોઇ તેને જવાનો સંકેત કર્યો હતો પરંતુ પાછળ આવેલી બોલેરો જીપના આગળનો નંબર ભુંસેલો જણાતા તેને રોકવામાં આવી હતી. આ વખતે થોડે આગળ કાર રોકીને કોન્સ્ટેબલ પ્રકાશ પોલીસ કર્મીઓ પાસે ધસી આવી જીભાજોડી કરવા લાગ્યો હતો. દરમિયાન તક જોઇને ચાલકે બોલેરો ભગાવી મુકી હતી. જેથી ઝાલોદ પોલીસ પોતાની પાસેની રિક્વીઝીટ જીપથી તેનો પીછો શરૂ કર્યો હતો.

દરમિયાન જ ભીલકુવાથી દારૂની જીપનું પાયલોટિંગ કરીને આવતાં કોન્સ્ટેબલ પ્રકાશે પોતાની કાર પોલીસ જીપ આગળ ફિલ્મી ઢબે આડી કરીને અંતરાય ઉભો કર્યો હતો. પોલીસ જીપના ચાલકે મોટો ટર્ન લઇને ફરાર બોલેરોનો પુન: પીછો શરૂ કર્યો હતો.નજીક પહોંચતા ઉથલાવી દેવા માટે પોલીસ જીપને બોલેરોથી ટક્કર પણ મારવામાં આવી હતી. ધામણબારી ગામનો પિન્ટુ ઉર્ફે નિતીન રયલા પરમાર બોલેરોમાંથી ફરાર થઇ ગયો હતો જ્યારે મોટા હાથીધરા નિશાળ ફળિયાનો રોહીતકુમાર દિનેશભાઇ રાવતને ઝડપી પાડ્યો હતો.

જીપમાંથી પોલીસને વિદેશી દારૂની 27 પેટી, છુટ્ટી બોટલો નંગ 6 તથા બિયરની બોટલો મળી કુલ 596 બોટલો કિંમત રૂપિયા 1,54,815ની મળી આવી હતી. દારૂનો જથ્થો તથા રૂા.1,50,000ની બોલેરો મળી કુલ રૂા.3,04,815નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.દારૂની જીપનું પાયલોટિંગ કરનાર પ્રકાશ, પિન્ટુ ઉર્ફે નિતીન, રોહીતકુમાર અને ભીલકુવાના ઠેકાથી દારૂ ભરી આપનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.દારૂની ગાડીના પાયલોટિંગ સાથે પોલીસ કર્મચારીઓની જ જીપની ગેરકાયદે અટકાયત કરનાર કોન્સ્ટેબલ પ્રકાશ સંજેલી પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. જોકે, હાલમાં પોલીસ ભરતીની કાર્યવાહીમાં ફરજ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યાંની ફરજ છોડીને પ્રકાશ કઇ રીતે દારૂની ગાડીનું પાયલોટિંગ કરવા માટે આવ્યો તે પણ તપાસનો વિષય બન્યો છે.ઘટનામાં દારૂની ગાડીનું પાયલોટિંગ કરતાં પોલીસ કોન્સ્ટેબલ સહિતના બુટલેગરો સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે,