હોસ્ટાઈલ સાક્ષીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહીઓ નહીં: સૌને અચરજ

મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન પછી પણ  સાક્ષીઓ જુબાનીમાંથી ફરી જાય છે !

હોસ્ટાઈલ સાક્ષીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહીઓ નહીં: સૌને અચરજ
Symbolice image

Mysamachar.in:અમદાવાદ

અદાલતી કાર્યવાહીઓ સામાન્ય લોકોને બહુ સરળતાથી સમજાતી હોતી નથી. ઘણાં લોકો વિચારતા હોય છે કે, અદાલતોમાં આટલાં બધાં આરોપીઓ નિર્દોષ છૂટકારાઓ પામે છે, જે ગજબ છે. આમ થવા પાછળ કારણો એવા હોય છે કે, અદાલતી કાર્યવાહીઓ અટપટી હોય છે. કાયદાઓમાં ઘણી એવી જોગવાઈઓ હોય છે, જેનો આરોપીઓ દ્વારા 'લાભ' ઉઠાવી લેવામાં આવતો હોય છે. ખાસ કરીને ઘણાં સાક્ષીઓ પોતાની જુબાની ફેરવી તોળતા હોય છે જેની મદદ આરોપીઓને મળી જતી હોય છે. પોલીસ સમક્ષની આરોપીઓની કબૂલાત અદાલતોમાં ટકતી નથી. તેથી તેનો તો કોઈ અર્થ જ નથી. ઉપરાંત એવું પણ જોવા મળે છે કે, સાક્ષીઓ મેજિસ્ટ્રેટ રૂબરૂ નિવેદન એટલે કે જુબાની આપ્યા બાદ પણ ફરી જાય છે. અને સૌને આશ્ચર્ય એ વાતનું છે કે, આવા સાક્ષીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ થતી નથી.

કેટલાંક કેસ એવા હોય છે જે રાજ્ય આખામાં ગાજયા હોય છતાં એમાં સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા હોય. દાખલા તરીકે અમદાવાદનો વિસ્મય હીટ એન્ડ રન કેસ અને આરટીઆઈ કાર્યકર અમિત જેઠવાની હત્યાનો કેસ. આ કેસોમાં સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયેલા. આ પ્રકારના સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવા અદાલતે આદેશ પણ આપેલો. છતાં કાર્યવાહીઓ નહીં. આ સ્થિતિમાં તથ્ય પટેલના અકસ્માત કેસમાં સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થશે કે કેમ ? તેના પર સૌની નજર છે. આ અકસ્માતમાં તાજેતરમાં 10 નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાયો હતો,જે સૌને યાદ હશે.

હોસ્ટાઈલ જાહેર થતાં સાક્ષીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ થતી નથી તેથી આવા લોકોને તેનો લાભ મળી જતો હોય છે. બીજી બાજુ આવા સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં સરકારી વકીલો નિષ્ક્રિયતા દેખાડતાં હોય છે, જેનો સીધો લાભ આરોપીઓને મળી જતો હોય છે. અદાલતોમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ઘણાં નિવેદનો સાક્ષીઓ અને ભોગ બનનાર દ્વારા નોંધાવવામાં આવતાં હોય છે જેમાં અદાલતોનો પુષ્કળ સમય વ્યતીત થતો હોય છે. જયારે આવા કેસ અદાલતમાં ચાલવા પર આવે ત્યારે ઘણાં સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થઈ જતાં હોય છે. જેને કારણે અદાલતોની હજારો કલાકો વેડફાઈ જાય છે.

હોસ્ટાઈલ થનાર સ્ટાર સાક્ષીઓ અને સામાન્ય સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવાની કાયદામાં જોગવાઇ છે. પરંતુ આવા મોટાભાગના કેસમાં સમાધાન થયું હોય સરકારી વકીલો આ કેસોમાં હોસ્ટાઈલ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવાનું ટાળતા હોય છે. પરંતુ સમાધાન વિનાના કેસમાં નાણાંના બદલામાં સાક્ષીઓ હોસ્ટાઈલ થતાં હોય એવા કેસ પણ ઘણાં હોય છે. આવા કેસમાં સરકારી વકીલ અદાલતનું ધ્યાન દોરે તો હોસ્ટાઈલ સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ શકે. કાયદાની છટકબારીઓનો લાભ આરોપીઓને મળી જતો હોય છે. અને લોકોને આવા કેસમાં ન્યાય મળતો નથી !

એક એડવોકેટ કહે છે: ઝાહીરા કેસમાં હોસ્ટાઈલ વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ હતી. મામલો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અદાલતે છ મહિનાની સજા કરી હતી. આવું અન્ય કેસમાં કેમ ન થઈ શકે ? અન્ય એક સિનિયર વકીલ કહે છે: હોસ્ટાઈલ થનાર વિરુદ્ધ સીઆરપીસીની કલમ 344 હેઠળ કોર્ટ કાર્યવાહીઓ થઈ શકે. સમરી ટ્રાયલ પ્રક્રિયા પણ થઈ શકે. જેમાં સાક્ષીઓને તક આપી શકાય, અને તે દોષી ઠરે તો સજા થઈ શકે. અન્ય એક સિનિયર વકીલ કહે છે: હોસ્ટાઈલ સાક્ષીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 192-193 મુજબ પણ કાર્યવાહીઓ થઈ શકે. આવા કેસમાં આવા સાક્ષીઓને 3 થી 7 વર્ષની સજા થઈ શકે. દંડ પણ કરી શકાય. પરંતુ આવી કાર્યવાહીઓ થતી નથી !!