Mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાય સમયથી સાઈબર ક્રાઈમના ગુનાહોની રફતાર વધી રહી છે, સામે ભેજાબાજ શખ્સોના દુર દેશોમાં બેસીને ઓપરેટીંગ હોવાથી સાઈબર સેલ અમુક ગુન્હાઓનો ભેદ ઉકેલી શકે છે જયારે અમુક ગુન્હાઓના ભેદ વણઉકેલ રહે છે, વાત જામનગરની કરીએ તો થોડા સમય પૂર્વે જામનગરની એક મહિલાના શાદી ડોટ કોમ પરથી નંબર મેળવી લગ્નની લાલચ આપી રૂ.36.82 લાખની રકમની છેતરપીંડી કરવાના પ્રકરણમાં સાયબર સેલની ટીમે ન્યુ દિલ્હીમાંથી એક નાઈજેરીયન અને મહિલા સહિત બે ની ધરપકડ કરી છે, જે આરોપીઓના પાંચ દિવસના રીમાન્ડ મેળવી આવા કેટલા ગુન્હાઓ આચર્યા તેની તપાસ થઇ રહી છે,
મળતી વિગત મુજબ થોડા સમય પુર્વે જામનગરના એક મહિલા સાથે શાદી ડોટ કોમ પરથી નંબર મેળવી મહિલાનો વિશ્વાસ કેળવી લગ્નની લાલચ આપી ગિફટ અપાવવાના બહાને જુદા જુદા સમયે રૂ.36.82 લાખની માતબર રકમ મેળવી છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાયા બાદ તપાસ જામનગર સાયબર સેલે હાથ ધરી હતી.જે દરમિયાન સાયબર સેલની ટીમે આરોપીઓનુ લોકેશન ટ્રેસ કરી દિલ્હી સુધી તપાસનો દૌર લંબાવ્યો હતો. આ છેતરપીંડી પ્રકરણમાં બે આરોપીઓ જેમાં નાઇજેરીયાના જહોન ચીબુઝોર ઇઝરાઇલ અને સવિતા ઇરપ્પા વાલેકર(રે.બંને હાલ ઓયોસીંગ હોટલ પાસે, ઝન્કાર રોડ,ગોયલા ડેરી, કુતુબબીહાર-ન્યુ દિલ્હીથી સકંજામાં લીઘા હતા.જેના પોલીસે પાંચ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ સાથે તપાસ હાથ ધરી છે.
સાયબર સેલે પકડાયેલા આરોપીના કબજામાંથી જુદા જુદા 13 મોબાઇલ અને ટેબલેટ, અલગ અલગ સીમ કાર્ડ, 3 પેન ડ્રાઇવ, 6 મેમરીકાર્ડ, જુદાજુદા 5 સરકારી ઓળખકાર્ડ, જુદી જુદી બેન્કોના 14 એટીએમ કાર્ડ, ઇમીટેશન જવેલરી સહિત રૂ.1.91 લાખનો મુદામાલ કબજે કર્યો છે અને અત્યારસુધી આ બન્ને શાતીર દિમાગના ભોગ કોણ કોણ બન્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી જામનગર સાઈબર સેલ ટીમના પી.આઈ.કે.જે ભોયે ના માર્ગદર્શન હેઠળ સુનીલ કાંબલીયા, ડી.જે.ભૂસા, કુલદીપસિંહ જાડેજા, બીપીન દેસાણી, ધર્મેશ વનાણી, નિર્મલસિંહ જાડેજા, વગેરે દ્વારા કરાઈ હતી.