સૌરાષ્ટ્રના આંગણે તૈયાર થનારી એઈમ્સનો લોગો જાહેર થયો, આ જિલ્લાઓની ઓળખ અંકિત

જાણો ક્યા સ્થાપત્યને મળ્યું આ લોગોમાં મોટું સ્થાન

સૌરાષ્ટ્રના આંગણે તૈયાર થનારી એઈમ્સનો લોગો જાહેર થયો, આ જિલ્લાઓની ઓળખ અંકિત

Mysamachar.in-રાજકોટ:

સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં તૈયાર થનાઈ એઈમ્સ હોસ્પિટલનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ડિસેમ્બર મહિના સુધીમાં ઓપીડી શરૂ કરવા તંત્ર કામગીરીમાં મચી પડ્યું છે. જોકે, એઈમ્સ તૈયાર થતા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને એનો લાભ મળી રહેશે. આરોગ્ય ક્ષેત્રે વધું એક મોટી સિદ્ધિ ઘર આંગણે પ્રાપ્ય બની રહેશે. એઈમ્સ રાજકોટે એક લોગો જાહેર કર્યો છે. જેમાં એક કે બે નહીં પણ કુલ 33 વિષયોનો સમાવેશ આ લોગોમાં કરવામાં આવ્યો છે,

આ મામલે એઈમ્સના ડાયરેક્ટર સી.ડી.કચોટે જણાવ્યું કે, એઈમ્સના લોગોમાં ગાંધીના ચરખા સાથે કુલ 33 જિલ્લાઓની ઓળખ અંકિત કરવામાં આવી છે. આ લોગોની ડીઝાઈન તથા એનું નિર્માણ મારી પત્નીએ કર્યું છે. એઈમ્સ રાજકોટના લોગોમાં સૌરાષ્ટ્ર તથા ગુજરાતની એક સાંસ્કૃતિક ઝાંખી જોઈ શકાય છે. લીલા અને કેસરી રંગમાં આ લોગો વૈદિક મંત્ર સર્વે સન્તુ નિરોગ્ય તેમજ તબીબી જ્ઞાન તથા પ્રકાશનો મંત્ર વિદ્યા અમૃતમ્ શ્રુતે અંકિત કરવામાં આવ્યો છે. દેશમાં જ નહીં પણ એશિયામાં ઓળખસમા ગીરના સિંહની પ્રતિકૃતિ એ સાહસ, હિંમત તથા સર્વોચ્ચ શક્તિને પ્રદર્શિત કરે છે. ગુજરાતમાં એક ડાયમંડ હબ પણ છે. જે ડાયમંડની તસવીર એ શ્રેષ્ઠતા તેમજ પ્રકાશનું મોટું પ્રતિક કહી શકાય છે. જ્યારે લોગોમાં લીલો રંગ એ ઊર્જાનું પ્રતિક છે. જ્યારે બાહરની ડિઝાઈન એ બાંધણીની ડિઝાઈન છે. આ રીતે કુલ 33 વિષયોને ઉમેરાયા છે. જે ગુજરાતના 33 જિલ્લાઓ એકબીજા સાથે ગુંથાયેલા છે એવો સંદેશ આપે છે.

આ ઉપરાંત ગરબા રમતા ખેલૈયાની કૃતિને પણ સ્થાન અપાયું છે. જ્યારે ખુલ્લુ પુસ્તકએ વિદ્યાનું પ્રતિક છે. જ્ઞાનનું પ્રતિક છે. આ સાથે ગુજરાતના સૌથી વિશાળ દરિયા કિનારાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સાથોસાથ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ચરખો એ મહાત્મા ગાંધી અને ગુજરાતના ગ્રામોદ્યોગ સ્વરોજગારનું પ્રતિક છે.