Mysamachar.in-અમદાવાદ
રાજ્યના મેટ્રોસીટીમાં અનેકવાર હદ વટાવતી ઘટનાઓ સામે આવતી હોય છે, એવામાં આવી વધુ એક ઘટના સામે આવી છે, જે શરમજનક છે, જો કે આ મામલે બોલાચાલી બાદ બન્ને પક્ષોએ ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જાણવા મળતી વિગતો મુજબ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતીએ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ પોલીસને જણાવ્યું કે, તેનો પાડોશી સીસીટીવીની મદદથી તેના પર નજર રાખતો હતો. તે જ્યારે કપડા સૂકવવા બાલ્કનીમાં જતી હતી ત્યારે યુવક રોજ તેની સામે બિભત્સ ઈશારા કરતો હતો. જોકે, પાડોશમાં કોઈ વિવાદ ન થાય તેથી તે ચૂપ રહી હતી અને તેના પતિને કંઈ કહેતી ન હતી.
પરંતુ એક દિવસ તે બાલ્કનીમાં આવી તો તેણે જોયું કે, યુવક તેના ઘરની તરફ ફેસિંગ કરીને સીસીટીવી કેમેરા લગાવી રહ્યો હતો. જેને કારણે યુવતી ગભરાઈ ગઈ હતી. યુવતી જ્યારે બાલ્કનીમાં આવી ત્યારે યુવકે પોતે પહેરલુ પેન્ટ ઉતારીને અશ્લીલ હરકતો કરી હતી. આખરે તેણે પતિને જાણ કરી હતી. ઉશ્કેરાયેલા પતિએ પાડોશી યુવક સામે આ વાતનો ઉઘડો લીધો હતો. ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. કૃષ્ણનગર પોલીસે બન્ને તરફની આક્ષેપો વાળી ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.