ઝાંખર ગામ નજીકથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી..

પોલીસે હત્યા શા માટે અને કોને કરી તેને લાગી તપાસમાં

ઝાંખર ગામ નજીકથી યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી..

Mysamachar.in-જામનગર

જામનગર નજીક ઝાખર અને પડાણા વચ્ચેના ગાડા માર્ગે સીમ વિસ્તારમાં ગત રાત્રિના એક અજાણી યુવતીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. મેઘપર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક વિગતો જાણી હતી. મૃતકની ઓળખ મેળવવા અને કેવી રીતે હત્યા નીપજાવવામાં આવી...? એ માટે મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે, જે રિપોર્ટમાં કારણ સહિતની વિગત સ્પષ્ટ થશે. પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરીએ તો મેઘપર પંથકના કડવાણી કૈમિકલ્સ પાછળ પડાણા-ઝાખર જવાના ગાડા માર્ગે કાંટાળા છોડ સીમ વિસ્તારમાં આશરે 20-25 વર્ષની એક અજાણી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ માહિતી મળતા જ મેઘપર પડાણાના પીએસઆઈ કે.આર.સીસોદિયા સહિતની ટૂકડી ઘટના સ્થળે તપાસ અર્થે પહોંચી  હતી,

બનાવ અંગે ઝાખર ગામમાં રહેતાં અમરસંગ જાડેજા દ્વારા મેઘપર પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને કોઈ અજાણ્યા શખસ અથવા શખસો વિદ્ધ આઈપીસી કલમ 302 હેઠળ ફરિયાદ નોંધાવી છે. વધુમાં મૃતકના મોઢા અને હાથના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યાં છે, મોઢાનો ભાગ કાળાશ પડતો થઈ ગયો છે. મૃતદેહ નજીકથી એક પથ્થર મળી આવ્યો છે. આમ, પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આજુ-બાજુના વિસ્તારોના લોકોના નિવેદન લેવા અને મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી શરુ કરી છે. પોલીસની પ્રાથમિક ફરિયાદમાં સામે આવ્યું છે કે કોઈ અજાણ્યા શખસોએ 20થી 25 વર્ષની અજાણી સ્ત્રીને કોઈ પણ કારણોસર પથ્થર કે અન્ય કોઈપણ રીતે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યું છે. જેના આધારે પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગર પીએમ માટે મોકલી આપ્યો છે.