સામે તાકીને જોવાની બાબતે જામનગરમાં મોડીરાત્રીના હત્યાની ઘટના

ઈંડાકરીની રેંકડીએ આડો દાટ વાળ્યો છે 

સામે તાકીને જોવાની બાબતે જામનગરમાં મોડીરાત્રીના હત્યાની ઘટના
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં ફરી એક વખત સાતરસ્તા જેવો ભરચક્ક વિસ્તાર લોહીના ખાબોચિયાથી લથપથ બન્યો છે, સામાન્ય બાબતે એક યુવકને છરીઓના ઘા ઝીંકી ને મોતને ઘાટ  ઉતારી દેવાની આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે, જો કે હત્યા નીપજાવનાર પાંચેય શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે, વાત એવી છે કે સુમેરક્લબ સામે આવેલ રફીક ઉર્ફે બેરાની ઈંડાકરીની રેકડીએ મૃતક પ્રદીપસિંહ ઝાલા અને તેનો મિત્ર મહેન્દ્રસિંહ જાડેજા ઈંડાકરીની રેકડીએ જમવા માટે ગયા હતા ત્યારે આરોપી જીતુ મકવાણાએ મૃતક પ્રદીપસિંહ ઝાલા સામે તાકી તાકીને જોતો હોય જે બાબતે જીતુ મકવાણા અને અન્ય શખ્સ સાથે ગાળાગાળી અને ઝપાઝપી થયેલ અને ત્યારબાદ પ્રદીપસિંહ અને તેનો મિત્ર સાતરસ્તા પેટ્રોલપંપ નજીક જતા રહીને ત્યાં ઉભેલા હતા, તે દરમ્યાન પાંચ જેટલા ઇસમો જેમાં જીતુ મકવાણા રફીક ખફી અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમોએ ત્યાં આવીને જીતુ મકવાણાએ પોતાની પાસે રહેલી છરી વડે પ્રદીપસિંહ ને કપાળના ભાગે તેમજ તેની સાથેના રફીકે પણ તલવાર વડે પ્રદીપસિંહને માર મારતા તેનું મોત નીપજ્યું હતું.આમ સામે જોવા જેવી બાબતમાં થયેલી તકરારે એક યુવકનો ભોગ લીધો છે. જો કે પોલીસે ગુન્હામાં સંડોવાયેલા તમામ આરોપીઓને રાત્રીના જ ઝડપી પાડ્યા છે.

-ઈંડાકરીનું દુકાનો અને રેકડીઓ પર મારામારી, બબાલ સહિતના કિસ્સાઓ અવારનવાર બને છે.
જામનગરમાં ૧૦૦૦ થી વધુ દુકાનો અને  વધુ તો રેંકડીઓમાં રાત્રીના ઈંડા અને નોનવેજ ની આઈટમો પીરસવામાં  આવે છે, ત્યાં મોટાભાગના જમવા આવનાર પીધેલા હોય છે. અને પાસે પાસે બેસવાની અને સામે જોવા જેવી બાબતોએ આવી ઘટનાઓ ઘણીવાર બની ચુકી છે, કેટલીય વખત સામાન્ય બોલાચાલી તો કેટલી વખત હત્યાના કિસ્સાઓ પણ ઈંડાકરીની રેકડીઓ માં થી ઉદ્ભવતા હોય છે, જે ગઈકાલે પણ રેકડી એ સામે જોવાની બાબત બાદ એક યુવકની હત્યા થઇ છે.