અનૈતિક સબંધમાં હત્યા, પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતારી લાશને ખાડામાં દાટી દીધી

હચમચાવી નાખે તેવી છે ઘટના

અનૈતિક સબંધમાં હત્યા, પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતારી લાશને ખાડામાં દાટી દીધી

Mysamachar.in-ભરૂચ

લગ્ન બાદના અનૈતિક સબંધોનો અંજામ હંમેશા કરુણ જ હોય છે, અને સબંધોની માન મર્યાદાને ભૂલી જઈને માત્ર શારીરિક સબંધોની મોહમાયામાં કેટલાય કિસ્સાઓમાં કેટલાય પરિવારો વિખેરાઈ ચુક્યા છે, આ કિસ્સો રાજ્યના ભરૂચમાં સામે આવ્યો છે, જ્યાં સોનતલાવડી વિસ્તારમાં રહેતાં શખ્સને આણંદ ખાતે રહેતાં તેના પિતરાઇ ભાઇની પત્ની સાથે અનૈતિક સંબંધ બંધાયાં હતાં. ભાભીને મેળવવા માટે પિતરાઇ ભાઇને નવી બાઇક લેવા માટે રૂપિયાની મદદ કરવાના બહાને બોલાવી હત્યાને અંજામ આપ્યો હતો. વધુમાં તેને પીડબલ્યુડીની ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી લાશને દાટી દઇ પુરાવાનો નાશ કર્યો હતો. મૃતકની પત્નીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસની પુછપરછમાં ભાંગી પડેલાં હત્યારા ભાઇએ હત્યાના ષડયંત્રની કબુલાત કરતાં મર્ડર મીસ્ટ્રીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

પોલીસે ઘટનાના 38 દિવસ બાદ સ્થળ પર જઇ જેસીબીથી ખાડો ખોદાવતા કંકાલ મળી આવ્યા  છે, પોલીસે સઘન પૂછતાછ કરતાં સંજયે મફતની હત્યા કરી લાશ દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. હત્યા અંગે મૃતકની પત્ની મંજુને પણ જાણ હતી. ઘટનાના 3 દિવસ બાદ પતિની શોધખોળ કરવા ગયેલી પત્નીને સંજયે હત્યાની જાણ કરી મંજુ, તેના ભાઇ કમલેશ અને ભાભી ગીતાને પણ ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે સંજયે બતાવેલી જગ્યાએ જેસીબી વડે ખોદાવતાં મૃતકની ખોપડી, પાંસળીઓ, કરોડરજ્જૂ, હાથ-પગ સહિતના અવશેષો મળી આવ્યાં હતાં. જેના પગલે પોલીસે મૃતદેહના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેના માથામાં ઇજાઓના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે સંજયની ધરપકડ કરી તેને કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.