વકીલ કિરીટ જોશી હત્યા કેસ..તપાસ CIDને સોંપાઈ

હવે શું થશે તેના પર સૌની નજર

વકીલ કિરીટ જોશી હત્યા કેસ..તપાસ CIDને સોંપાઈ
મૃતક વકીલ કિરીટ જોશીની ફાઇલ તસ્વીર

mysamachar.in-જામનગર:

જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર શહેરના જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યાના બનાવમાં અનેક રહસ્ય પરથી પડદા ઉચકાયા બાદ ભુમાફિયા ડોન જયેશ પટેલની સંડોવણી ખુલવા પામી હતી. જે હાલ વિદેશ નાશી છૂટ્યો છે, તેવામાં કિરીટ જોશીની હત્યા કેસમાં અનેક ચડાવ-ઉતાર વચ્ચે આ હત્યા કેસની તપાસ સી.આઈ.ડી. ક્રાઇમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગરમાં ટાઉનહોલ જેવા ભરચક વિસ્તારમાં જ્યોત ટાવરમાં ઓફિસ ધરાવતા શહેરના જાણીતા વકીલ કિરીટ જોશીની સરાજાહેર છરીના આડેધડ ઘા મારીને હત્યા નિપજાવવામાં આવ્યાનો બનાવ બનતા સમગ્ર જામનગરમાં આ હત્યાના બનાવથી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને હત્યા પ્રકરણમાં મૃતક વકીલના ભાઈની ફરિયાદના આધારે પોલીસએ ભુમાફિયા જયેશ પટેલ સહિત અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
જામનગર પોલીસની જુદીજુદી દીશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વકીલ કિરીટ જોષીની હત્યા પ્રકરણમાં એક પછી એક રહસ્યો ખુલતા ગયા અને એવું બહાર આવ્યું કે, જયેશ પટેલએ અમદાવાદનાં નામીચા શખ્સો એવા પુજારા ભાઈઓને સોપારી આપી વકીલ કિરીટ જોશીની હત્યા કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

જામનગરના તત્કાલિક એસ.પી.પ્રદિપ સેજુળની સતર્કતાથી આ હત્યા કેસમાં ગંભીરતાપૂર્વક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરીને  રાજકોટ,મુંબઈ,અમદાવાદ વગેરેના સ્થળોના ૧૧ શખ્સોની સંડોવણી ખૂલ્યા બાદ ૧૧માંથી પોલીસે ૭ શખ્સોને દબોચી લઈને ધરપકડ કરવામાં આવી હતી.

વધુમાં જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વકીલ આલમ તેમજ બ્રહ્મસમાજમાં આ હત્યાને લઈને ભારે રોષ જોવા મળતા આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણૂક પણ કરવામાં આવી છે,તેવામાં મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ સહિત ચાર શખ્સો હજુ ફરાર હોય,તાજેતરમાં જયેશ પટેલના વિદેશમાં બેઠા-બેઠા જામનગરના સંપર્કમાં હોવાના આક્ષેપો સાથે એસ.પી.શરદ સિંઘલને બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને મુખ્ય સૂત્રધારોને હજુ ફરાર હોય ઝડપી લેવા તપાસ તેજ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

ત્યારે જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા કેસની તપાસ સ્થાનીક પોલીસ પાસેથી આંચકીને સી.આઈ.ડી.ક્રાઇમને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે જામનગરના સી.આઈ.ડી.ક્રાઇમમાં હાલ રાજકોટ ગ્રામ્ય સી.આઈ.ડી.ક્રાઇમના પી.આઈ. વી.એમ.ભોરણીયા ચાર્જમાં હોય,તેઓ દ્વારા તપાસ સંભાળીને આ કેસમાં આગળ વધશે તેવું સી.આઈ.ડી.ના સૂત્રોએ જણાવ્યુ હતું.