ખંભાળિયાના કોઠા વિસોત્રી ગામે દારૂ પીવાની ટેવ ધરાવતા વૃદ્ધને પત્નીએ પતાવી દીધો

ચારિત્ર્યની શંકા કરતાં પત્નીએ પતિનું ઢીમ ઢાળી દીધું

ખંભાળિયાના કોઠા વિસોત્રી ગામે દારૂ પીવાની ટેવ ધરાવતા વૃદ્ધને પત્નીએ પતાવી દીધો
Symbolic image

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે ગઈકાલે દારૂ પીવાની આદત ધરાવતા 65 વર્ષિય એક વૃદ્ધને તેના પત્નીએ શ્વાસ રૂંધી, મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે મૃતકના બહેન દ્વારા મૃતકના પત્ની સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતા લાલજીભાઈ રણછોડભાઈ જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધ ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના ઘરે હતા. ત્યારે દારૂ પીવાની ટેવ ધરાવતા લાલજીભાઈ દ્વારા અવારનવાર તેમના પત્ની જ્યોત્સનાબેન સાથે ઝઘડો કરવા ઉપરાંત તેમને તથા બાળકોને બિભત્સ ગાળો આપવામાં આવતી હતી. આ વચ્ચે ગઈકાલે સવારે લાલજીભાઈ દ્વારા જ્યોત્સનાબેન સાથે બોલાચાલી કરી, ચારિત્ર્ય બાબતે શંકા કરવામાં આવતા આ કાયમની માથાકૂટથી કંટાળેલા જ્યોત્સનાબેને લાલજીભાઈના મોઢા ઉપર ઓશીકું દબાવી દેતા તેમનો શ્વાસ રૂંધાઇ ગયો હતો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ વચ્ચે દારૂ પ્રકરણમાં ઝડપાયેલા તેમના પુત્રને સલાયા પોલીસે અટક કરતા તેમને છોડાવવા માટે માતા જ્યોત્સનાબેન તથા તેમના પુત્રી હર્ષિદાબેન નીકળ્યા હતા. તે પૂર્વે તેમના ઘરે જ લાલજીભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. માતા પુત્રી સલાયા પોલીસ સ્ટેશનને ગયા બાદ તેમના ઘરની બાજુમાં રહેતા લાલજીભાઈના બહેને રંભીબેન ઉર્ફે લીલીબેન મેઘજીભાઈ માનજીભાઈ પરમાર લાલજીભાઈને ચા પાણીનું પૂછવા ઘરે જતા તેઓ મૂર્છિત હાલતમાં પડ્યા હતા અને તેમના શરીર પર માખી તથા મકોડાઓ હોવાથી રંભીબેને તેમના પતિ મેઘજીભાઈને આ બાબત વાત કરી હતી. તેથી પરિવારજનો આ સ્થળે એકત્ર થઈ ગયા હતા.બાદમાં માતા પુત્રી પરત આવતા શંકા અને વહેમપૂર્વકની પૂછપરછમાં આ સમગ્ર બનાવ ઉપરથી મૃતકના પુત્રી હર્ષિદાએ પડદો ઊંચકાવી દીધો હતો.આ સમગ્ર પ્રકરણ અંગે રંભીબેન ઉર્ફે લીલીબેન પરમારની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે જ્યોત્સનાબેન લાલજીભાઈ જાડેજા સામે મનુષ્યવધની કલમ 302 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર બનાવ અંગે નાના એવા કોઠા વિસોત્રી ગામમાં ભારે ચર્ચા મચી જવા પામી છે.