7 વર્ષની બાળકી પર રેપ બાદ મર્ડર: આજિવન કેદના આરોપીનો છૂટકારો

વડી અદાલતે સરકારને કહ્યું, ડિસ્કવરી પંચનામા માટેના નિયમો ઘડો અને તમામ તપાસનીશ અધિકારીઓને મોકલો.....

7 વર્ષની બાળકી પર રેપ બાદ મર્ડર: આજિવન કેદના આરોપીનો છૂટકારો
Symbolice image

Mysamachar.in:અમદાવાદ

ગુજરાતની વડી અદાલતે આજિવન કેદની સજા પામેલાં એક આરોપીને છોડવાનો હુકમ કરતી વખતે રાજય સરકારને નિર્દેશ આપ્યો કે, સુપ્રિમ કોર્ટના બે ચુકાદાઓને ધ્યાનમાં લઈ રાજય સરકારે,પોતાના તમામ પોલીસ તપાસનીશ અધિકારીઓને ડિસ્કવરી પંચનામું કેવી રીતે તૈયાર કરવું ? તે અંગેનું માર્ગદર્શન આપવા નિયમો ઘડવા જોઈએ. આ કેસ 2012નો, રેપ અને મર્ડરનો હતો જેમાં 7 વર્ષની બાળાની હત્યા થયેલી. આ કેસ દરમિયાન અદાલતે નોંધ્યુ કે, આ કેસમાં સૌથી નોંધપાત્ર ખામી એ છે કે- તપાસનીશ અધિકારીએ આરોપીને ગુનેગાર સાબિત કરી શકે એ પ્રકારનું પંચનામુ તૈયાર કર્યું નથી. પંચનામુ યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું નથી.

જસ્ટિસ એ.એસ.સુપેહિયા અને જસ્ટિસ એમ.આર.મેંગેડેની ખંડપીઠે રાજયના કાયદા વિભાગના સચિવ અને રાજયના પોલીસ વડાને સૂચના આપી છે કે, 2022માં સુપ્રિમકોર્ટે બે ચુકાદાઓ આપ્યા હતાં. જે પૈકી એક કેસ સુબ્રમણ્યમ વિરુદ્ધ કર્ણાટક સરકારનો હતો અને બીજો કેસ રમાનંદ નંદલાલ ભારતી વિરુદ્ધ ઉત્તરપ્રદેશ સરકારનો હતો. તેને ધ્યાનમાં રાખીને જે કાયદાનો ઉલ્લેખ કરવામાં આવેલો તેની નોંધ લઈને ડિસ્કવરી પંચનામુ તૈયાર કરવા અંગે સર્વે તપાસનીશ અધિકારીઓને માર્ગદર્શન આપવા ગાઈડલાઈન તૈયાર કરી અધિકારીઓને મોકલવામાં આવે.

આ વહીવટી સૂચના સ્પષ્ટ રીતે તૈયાર કરવામાં આવે. અને પંચનામાની વિગતો ટ્રાયલ કોર્ટ સમક્ષ તપાસનીશ અધિકારીએ પૂરવાર કરી દેખાડવી પડે એ પ્રકારની ચોક્કસ સૂચનાઓ આ પરિપત્રમાં દર્શાવો. આ માર્ગદર્શિકા સરકારે એક મહિનાની અંદર તૈયાર કરવાની રહેશે એમ પણ અદાલતે કહ્યું છે. વડોદરાના આ કેસમાં આરોપીનું નામ કપિલકુમાર મંડલ છે. તેની વિરુદ્ધ રેપ અને મર્ડરની કલમો ઉપરાંત આઈપીસીની કલમ 201(પુરાવાઓનો નાશ) તથા કલમ 364(અપહરણ) લાગુ કરવામાં આવેલી હતી.

2012ના આ કેસમાં વડોદરાની સેશન્સ કોર્ટ દ્વારા 2014માં આ આરોપીને દોષિત ઠરાવી સજા જાહેર કરવામાં આવી હતી. ગુનાના આ બનાવ બાદ આરોપી મંડલ ભાગી છૂટયો હતો જેને બનાવના ત્રણ સપ્તાહ બાદ બિહારથી ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં તેણે જે સ્થળે આ બાળકીની બોડી મળી આવેલી તે સ્થળ અંગે પોલીસને વિગતો આપી હતી. હત્યાના 26 દિવસ બાદ પોલીસે આ સ્થળે બાળકીની બોડીના અવશેષોની તપાસ કરી હતી.

વડી અદાલતે નોંધ્યુ કે, મૃતક બાળકીની બહેન અને અન્ય બે બાળ સાક્ષીઓના નિવેદન અન્ય સાક્ષીઓના નિવેદનની સાથે મેચ થતાં ન હતાં. અદાલતે એ પણ નોંધ્યુ કે, એક પણ સાક્ષીએ બનાવને નજરે જોયાની પુષ્ટિ આપી નથી. આ ઉપરાંત તપાસનીશ અધિકારીએ ડિસ્કવરી પંચનામુ તૈયાર કરવામાં ઘણી બધી ખામીઓ રાખી દીધી હતી. અદાલતે આ કેસમાં નિરીક્ષણ કર્યું કે, આ ગંભીર કેસમાં બહાર આવેલી વિગતો હાલની વિગતો કરતાં અલગ રીતે બહાર આવી શકે એમ હતી,જો તપાસ યોગ્ય રીતે કરવામાં આવી હોત અને ગુનો પૂરવાર કરવા અંગે પ્રોસિકયુશન પૂરતું એલર્ટ રહ્યું હોત તો.

વડી અદાલતે કહ્યું, તપાસમાં ઘણી બધી ખામીઓ છે. ખાસ કરીને ડિસ્કવરી પંચનામુ તૈયાર કરવામાં કાળજી દાખવવામાં આવી નથી. જો યોગ્ય કાળજી લેવામાં આવી હોત તો પ્રોસિકયુશન ટ્રાયલ કોર્ટ સમક્ષ વધુ સારી રીતે કેસ રજૂ કરી શકી હોત. બનાવના સ્થળેથી મૃતકના હાડકાં અને વાળ પણ મેળવી શકાયા હોત. આ કામગીરીઓ હત્યાના બનાવ પછી છેક 26મે દિવસે કરવામાં આવી. જેમાં પુરાવાઓ એકત્ર કરવા મુશ્કેલ હોય છે.

આ કેસમાં તપાસનીશ અધિકારી કે ટ્રાયલ કોર્ટ પંચનામુ સાબિત કરી શક્યા નથી. મોટાભાગના કેસોમાં તપાસનીશ અધિકારી તથા ટ્રાયલ કોર્ટ દ્વારા પંચનામા સાબિત કરી શકાતા નથી કેમ કે, તેઓ પ્રોસિજર સાચી રીતે ફોલો કરતાં નથી. પ્રોસિકયુશને આરોપ પૂરવાર કરવામાં કોઈ પણ પ્રકારની કચાશ છોડવી ન જોઈએ. દરેક ફોજદારી કેસની કાર્યવાહીઓમાં ટ્રાયલ કોર્ટ એલર્ટ અને જીવંત રહે, એ અદાલતોની ફરજ પણ છે અને જવાબદારીઓ પણ છે એમ કહી વડી અદાલતે જણાવ્યું કે, દરેક પ્રકારના પુરાવાઓ રેકર્ડ પર લાવવા ટ્રાયલ અદાલતોએ કાળજી લેવી આવશ્યક છે. વડી અદાલતે પોતાની રજિસ્ટ્રી શાખાને પણ સૂચના આપી કે, આ સૂચનાઓ દરેક ટ્રાયલ કોર્ટને મોકલવામાં આવે તમામ કાયદાકીય પ્રોસિજર ફોલો કરવા અદાલતોને કહેવામાં આવે. વડી અદાલત પોતે આપેલી આ તમામ સૂચનાઓ બાદ શું શું બન્યું ? તેની જાણકારી મેળવવા આ મામલો ફરીથી આગામી 6 ઓક્ટોબરે હાથ પર લેવામાં આવશે એમ પણ જાહેર કર્યું છે.