સાંસદ-ધારાસભ્યો અને શહેર પ્રમુખને ત્યાં 'પદવાંચ્છુઓ'નો મેળો...

કોર્પોરેશનમાં પદ માત્ર પાંચ અને નગરસેવકોનો ઢગલો મોટો, અસંતોષ ફેલાશે તો ?!

સાંસદ-ધારાસભ્યો અને શહેર પ્રમુખને ત્યાં 'પદવાંચ્છુઓ'નો મેળો...
File image

Mysamachar.in:જામનગર

બધાંને બધું મળતું નથી - આ જાણીતી ગુજરાતી કહેવત, જામનગરનાં શાસકજૂથનાં તમામ નગરસેવકો તથા સેવિકાઓએ અત્યારે યાદ રાખવી જોઈએ કેમ કે, જામનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓનાં પદો માત્ર પાંચ જ છે. બાકીનાં સેવકોએ ભવિષ્યમાં શ્રધ્ધા રાખવી પડશે. અને, લોટરી કોને લાગશે ? એ પ્રશ્નનો જવાબ હાલ કોઈને ખબર પણ નથી. કોર્પોરેશનમાં આગામી સમયમાં નવા અને પાંચ પદાધિકારીઓનાં નામોની જાહેરાત થશે. સૌ સેવકો ઇચ્છે છે કે પદસ્વામી બની જઈએ. પરંતુ રાજકારણમાં પદ પ્રાપ્ત કરવું આસાન નથી હોતું. બધાં જ કોઠા વીંધવા પડે અથવા કાયમ નીચી મૂંડી અને મોઢું બંધ રાખવાની ધીરજ દેખાડવી પડે.

શાસકજૂથનાં લગભગ બધાં જ કોર્પોરેટરને પદની તમન્ના છે. આ બધાં જ કોર્પોરેટર સાંસદ, બંને શહેર ધારાસભ્યો અને શહેર પક્ષ પ્રમુખને ત્યાં મુલાકાતો સેટ કરી રહ્યા છે. ભલામણો કરી રહ્યા છે અને પોતાના રાજકીય આકાઓ મારફત ભલામણો કરાવી રહ્યા છે. કેટલાંકને પોતાની આવડત પર નાઝ છે તો કેટલાંક પોતાના જેક પર મુસ્તાક છે. કેટલાંક એવા કોર્પોરેટર પણ છે જેઓ પતાસાની લાલચે વારંવાર બગાસુ ખાઈ રહ્યા છે ! અને મોઢું મીઠું થવાનાં અરમાનો સેવી રહ્યા છે. કેટલાંક કોર્પોરેટર એમ પણ વિચારે છે આ બધાં ભલે અંદરોઅંદર હરિફાઈ કરે, આપણે ડાહ્ય ડમરાં બની ખૂણામાં બેસીએ. કદાચ કોઈનું ધ્યાન આપણાં પર પડે તો બેડો પાર થઈ જાય !

સાંસદ, ધારાસભ્યો અને શહેર પ્રમુખ- સૌ નગરસેવકોને શાંતિથી સાંભળી રહ્યા છે. સૌ સામે હસી રહ્યા છે. સૌને મીઠું મોઢું કરાવી રહ્યા છે ચા પિવડાવી. આ સૌ મહાનુભાવો જાણે જ છે કે, ભલામણને યોગ્ય સૌ નથી હોતાં ! પરંતુ સાંભળવામાં સમય સિવાય કશું ગુમાવવાનું હોતું નથી. અને બે વાત નવી જાણવા પણ મળે !!

આગામી સમયમાં લોકસભા ચૂંટણીઓ પણ આવી રહી છે તેથી જ્ઞાતિ, જૂથ તથા સંભવિત પદાધિકારીઓનું પોતાના તથા અન્ય સમાજો પરનું વર્ચસ્વ સહિતનાં ઘણાં મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડતાં હોય છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જામનગરમાં સર્વત્ર ચર્ચાઓ નવા પદાધિકારીઓ અંગે જ સંભળાઇ રહી છે. જો કે કર્તાહર્તા મહાનુભાવો એક પણ પતું ખૂલ્લું ન થઈ જાય, તેનું પણ ધ્યાન રાખી રહ્યા છે. કારણ કે પદો મર્યાદિત છે અને દાવેદારો સૌ છે ! આ સ્થિતિને કારણે પક્ષમાં અસંતોષ ન ફેલાય તે જોવાની જવાબદારીઓ પણ સ્થાનિક આગેવાનોની એટલે કે મહાનુભાવોની હોય છે. એટલે હાલ તેઓ સ્થિતિને નજીકથી અને બારીકાઈથી નિહાળી રહ્યા છે અને સૌનાં 'મન કી બાત' સાંભળી-જાણી રહ્યા છે.

જો કે આ વખતે ભાજપ દ્વારા પ્રદેશમાંથી નક્કી કરેલ ત્રણ નિરીક્ષકો તારીખ 1 સપ્ટેમ્બર શુક્રવારના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે આવી પહોચશે અને તેવો પદાધિકારી બનવા માંગતા દાવેદારોને સાંભળશે અને તેનો અહેવાલ પ્રદેશમાં સુપ્રત કરશે જો કે ધાર્યું કોનું થશે તે હોદેદારોના નામ ખુલશે એટલે આપોઆપ સ્પષ્ટ થઇ જશે, તો જાણકારો થનાર આ સેન્સ પ્રક્રિયાને માત્ર સિમ્બોલિક જ ગણે  છે.