પતિ-પત્ની વચ્ચે ઝઘડો, માતાએ બે બાળકોને કૂવામાં ફેંકી દીધા

લોકડાઉનમાં ઘરકંકાસના કિસ્સાઓ પણ વધારો 

પતિ-પત્ની વચ્ચે ઝઘડો, માતાએ બે બાળકોને કૂવામાં ફેંકી દીધા

Mysamachar.in-પંચમહાલ

લોકડાઉનને કારણે લોકો ઘરમાં બંધ છે. અને રોજનું કમાતાં લોકોને કોઈ કમાણી ન હોવાથી ઘરમાં અવારનવાર ઘર કંકાસના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. તેવામાં પંચમહાલના હાલોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલોલ તાલુકાના રાયણવાડીયા ગામમાં પતિ-પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો થતાં માતાએ પોતાને બે બાળકોને કૂવામાં ફેંકી દેતાં બંનેનાં મોત નિપજ્યાની કરુણ ઘટના સામે આવી છે. પંચમહાલના હાલોલ તાલુકાના રાયણવાડીયા ગામે કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં રાઠવા પરિવારમાં હાલ કમાણીનું કોઈ સાધન ન હતું. પ્રતાપ રાઠવા છેલ્લા બે મહિનાથી ઘરે જ હતો

આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેમાં જમવાની બાબતે ઝઘડો થયો હતો. જે બાદ પત્નીએ આવેશમાં આવી જઈને પોતાના બે બાળકો પ્રતિક રાઠવા અને પ્રદીપ રાઠવાને ઘરથી થોડે દૂર ખેતરમાં આવેલાં કૂવામાં ફેંકી દીધા હતા. કૂવામાં ડૂબી જવાને કારણે બંને બાળકોનાં મોત નિપજ્યા હતા. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે, બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે બંને બાળકોનાં મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે આરોપી માતા સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.