9 માસની બાળકીને ગળેફાંસો આપી માતાએ પોતે પણ આપઘાત કરી લીધો 

પ્રાથમિક તપાસમાં આ કારણ સામે આવ્યું છે છતાં વિશેષ તપાસ ચાલુ

9 માસની બાળકીને ગળેફાંસો આપી માતાએ પોતે પણ આપઘાત કરી લીધો 

Mysamachar.in-સુરેન્દ્રનગર:

સુરેન્દ્રનગર જિલ્લામાંમાં કઠણ માનવીનું કાળજું પણ કંપાવી દે તેવી ઘટના સામે આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે, પહેલા માતાએ 9 માસની બાળકીને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું  છે. માતા અને પુત્રી બંનેના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર થાનના નવાગામની આ ઘટના સામે આવી છે, જ્યાં ભાવુબેન વિઠ્ઠલભાઈ ડાભી નવાગામના બંધપરા વિસ્તારમાં પતિ, સાસુ-સસરા તથા 9 મહિનાની દીકરી નિહારીકા સાથે રહેતા હતા. ભાવુબેન પોતાના પતિ અને દીકરી સાથે અલગ ઘર વસાવવા માંગતા હતા, અને સાસુ-સસરાથી છુટા થવા માંગતા હતા.

આ મામલે તેઓ લાંબા સમયથી જીદે ચઢ્યા હતા. પરંતુ પતિ વિઠ્ઠલભાઈ માતાપિતાથી અલગ રહેવા માંગતા ન હતા. તેઓએ આ મામલે પત્નીને સમજાવ્યુ હતુ. પરંતુ તે માનતા ન હતા. તેઓ અલગ રહેવા જવાની જીદે ચઢ્યા હતા. આ વાતનો કોઈ ઉકેલ ન આવતા અને પતિ અલગ રહેવા ન માનતા ભાવુબેન ગુસ્સે ભરાયા હતા. ભાવુબેને આ તમામ બાબતે બોલાચાલી થતા અને મનદુખ થતા તેમણે પોતાની 9 મહિનાની દીકરીને મોત આપી પોતે મોત વ્હાલુ કર્યુ હતું. તેઓએ પહેલા દીકરીને ગળે ફાંસો આપ્યો હતો, ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાધો હતો. પતિ અને સાસુ-સસરા ઘરે ન હોઈ એકલતાનો લાભ લઈ તેઓએ મોત વ્હાલુ કર્યુ હતું. બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવથી થાન ગામમાં ચકચાર મચી ગઈ હતી.